શેરબજાર નાં રોકાણકારો માટે PE (પ્રાઈઝ ટુ અર્નીંગ્ઝ) રેશિયો શબ્દ નવો નથી.આજકાલ શેરનાં ભાવની સાથે તેનો PE રેશિયો પણ બોલવાની ફેશન થઈ ગઈ છે.કોઈપણ કંપનીનાં શેરનાં ભાવો જ્યારે ઘટે કે વધે અથવા તો કોઇ કંપનીનાં શેર ખરીદવાની ભલામણ કરવામાં આવે તો તેની સાથે તે શેરનો PE રેશિયો પણ બતાવવામાં આવે છે અને તેનાં આધારે તે શેર હાલનાં બજારભાવે ખરીદવો સારો કે ખરાબ તેવું સમજાવવામાં આવે છે.
- PE રેશિયો એટ્લે શું?
PE રેશિયો એ શેરની બજાર કિંમત અને શેરદિઠ કમાણીનો ગુણૉતર છે.
PE રેશિયો = શેરનો બજારભાવ / શેરદિઠ કમાણી
તો હવે PE રેશિયો જેનાં દ્વારાં મળે છે તેવાં બે મુખ્ય હિસ્સાઓ વિશે સમજીએ.
(૧) શેરનો બજારભાવઃ શેર એ કંપનીમાં માલીકીપણૂં દર્શાવે છે.પબ્લીક લીમીટેડ કંપનીનાં શેરનું ટ્રેડીંગ શેરબજારમાં થાય છે.આવી લીસ્ટેડ કંપનીનાં શેરનો બજારભાવ સ્ટોક એક્સચેંજમાં માંગ અને પુરવઠા નાં નિયમને આધારે દેશનાં હજારો રોકાણકારો દ્વારાં નક્કી થાય છે.શેર નો બજારભાવ એ કંપનીમાં એટલાં હિસ્સા પુરતી માલીકી મેળવવા માટેનું મુલ્ય છે.
(૨) શેરદીઠ કમાણી(EPS-Earning Per Share): કંપનીનાં ચોખ્ખાં નફાને તે કંપની એ બહાર પાડેલાં કુલ શેરની સંખ્યા વડે ભાંગવામાં આવતાં જે રકમ મળે તેને શેરદીઠ કમાણી કહેવામાં આવે છે.
આમ,PE રેશિયો એ કંપની એ કરેલાં નફાનાં એક એક રુપિયા ની સામે રોકાણકાર તે કંપનીનાં શેર માટે કેટલાં ગણી રકમ ચુકવવા તૈયાર છે તે દર્શાવતું મુલ્ય.
ઉદાહરણઃ
જો શેરનો ભાવ ૧૦૦૦ રૂ. હોય અને તેની શેરદીઠ કમાણી(EPS) રૂ.૫૦ હોય તો ૧૦૦૦/૫૦ = ૨૦ રૂ. તેનો PE રેશિયો થશે.તેનો મતલબ કે રોકાણકારો કંપનીએ કરેલાં એક રુપિયાનાં નફાની સામે ૨૦ રૂ. ચુકવવા તૈયાર છે.
# PE રેશિયો નો યોગ્ય ઉપયોગ કેમ કરવો?
PE રેશિયો વિશે આપણે સમજણ તો મેળવી પરંતુ તેનાં કરતાં પણ તેનો ઉપયોગ કેમ અને કેવી રીતે કરવો તે જાણવું ખુબ જ અગત્યનું છે.
સરખામણીઃસૌથી અગત્યની વાત કે કોઈપણ કંપનીનાં શેરનો PE રેશિયો કાઢી લેવાથી આપણે કોઈ નિષ્કર્ષ પર પહોંચી શક્તા નથી પરંતુ PE રેશિયાનો સાચો ફાયદો લેવા માટે તેની સરખામણી કરવી પડે છે.
PE રેશિયોનો ઉપયોગ બે કંપની,બે ક્ષેત્રો કે બે દેશો વચ્ચેની સરખામણી કરવામાં થાય છે.તેમજ તેનો ઉપયોગ શેરનાં વેલ્યુએશન તથા સ્ટોક એનાલીસીસની બીજી અનેક પધ્ધતીઓ માં કરવામાં આવે છે.
સરખામણી તો સરખે સરખાંઓ ની જઃ
શેરનાં PE રેશિયોની સરખામણી કરવાની વાત આવે ત્યારે તેની સરખામણી સમાન કારોબાર કરતી કંપનીઓ વચ્ચે જ કરવી યોગ્ય ગણાય.આઈ.ટી. કંપનીનાં શેરનાં PE ની તુલના આપણે સ્ટીલ કંપનીનાં શેરનાં PE સાથે નાં કરી શકીએ.
જ્યારે આપણે બોલીએ છીએ 'ઉંચો PE ',તેનો મતલબ કે સમાન ક્ષેત્રો માં કામ કરતી બીજી કંપનીઓ નાં એવરેજ PE કરતાં તે કંપનીનો PE ઘણો ઉંચો છે.એવી જ રીતે જ્યારે આપણે બોલીએ કે 'નીચો PE ' તેનો મતલબ કે સમાન ક્ષેત્ર માં કામ કરતી બીજી કંપનીઓનાં એવરેજ PE કરતાં તે કંપનીનો PE ઘણો નીચો છે.
'ઉંચો PE'
ઉંચા PE નો મતલબ થાય કે તે કંપનીનું મુલ્યાંકન ખુબ જ ઉંચુ આંકવામાં આવ્યું છે એટલે કે તે શેરનો ભાવ ક્રુત્રીમ રીતે વધારવામાં આવ્યો છે.આવાં શેરનાં ભાવો માં ઘટાડાની સંભાવનાઓ છે.'ઉંચો PE' હોવાની એક બીજી શક્યતા પણ છે કે બજારની અપેક્ષામાં એ કંપની નજીકનાં ભવિષ્યમાં ખુબ જ ઉંચા દરે વિકાસ કરશે અને જ્યારે તે કંપની ઝડપથી વિકસતાં ક્ષેત્ર સાથે જોડાયેલી હોય ત્યારે આ સાચું પણ પડે છે.તો આવાં સંજોગોમાં તે કંપની વિશે પણ અભ્યાસ કરવો જરુરી બને છે.
'નીચો PE'
શેરનો નીચો PE રેશિયો ધરાવતી કંપનીઓનું મુલ્યાંકન ખુબ જ આકર્ષક છે તેવું કહી શકાય અને આવાં શેરની કિંમતમાં ભવિષ્યમાં વધારો થઈ શકે છે.ઉંચા PE ની જેમ નીચા PE માં પણ એક બીજી શક્યતા રહેલી છે.નીચા PE નો બીજો અર્થ એમ પણ થાય કે બજારની અપેક્ષા મુજબ તે કંપનીનો ભવિષ્યનો વિકાસદર ખુબ જ નીચો રહે તેવી સંભવના દેખાતી હોય અને સાથે સાથે તે કંપની જે ક્ષેત્ર માં કામ કરતી હોય તે ક્ષેત્ર નો વિકાસદર પણ જો ખુબ જ નીચો હોય તો આ શક્યતા સાચી પડી શકે છે.આવાં સંજોગોમાં કંપની તેમજ તેનાં કરોબાર તથા તેનાં કરોબાર નાં ક્ષેત્ર તેમજ તે કંપની નાં સંચાલકો અને તેમનાં ભવીષ્યનાં આયોજનો વિશે ઉંડાણપુર્વક અભ્યાસ કરવો જરુરી બને છે અને તેનાં આધારે જ નાક્કી કરી શકાય કે આવો શેર ખરીદવો કે નંહિ.
ખોટ કરતી કંપનીઓનાં કિસ્સામાં તેમજ નવી જ ચાલુ થયેલી કંપનીઓનાં કિસ્સામાં PE રેશિયોની સરખામણી તદન બિનઉપયોગી છે.
1 ટિપ્પણી:
good
ટિપ્પણી પોસ્ટ કરો