શનિવાર, 14 સપ્ટેમ્બર, 2019

કલમ ૩૭૦ની નાબુદી એટલે બ્રિટીશ માનસિકતાની ગુલામીમાંથી મુક્તિની શરૂઆત.


ઇતિહાસમાં કેટલાંક પરિવર્તનો સ્વાભાવિક અને પ્રાકૃતિક હોય છે.જેમકે,અંગ્રેજ શાસનમાંથી ભારતની મુક્તિ.પરંતુ કેટલાંક પરિવર્તનો અસ્વાભાવિક અને અપ્રાકૃતિક હોય છે.જેમકે,ભારતનું વિભાજન અને ત્યારબાદ આઝાદ ભારતમાં કાશ્મીરને કાયદાકીય અલગ દરજ્જો.અંગ્રેજોની ભાગલા પાડો ને રાજ કરોની નીતિનું વિષફળ એટલે પાકિસ્તાન અને કોંગ્રેસની અંગ્રેજ માનસિકતા આધારિત નીતિનું વિષફળ એટલે કાશ્મીરનો વિવાદ.૧૫મી ઓગષ્ટ ૧૯૪૭ના દિવસે ભારતમાંથી બ્રિટીશ ધ્વજ ઉતારી લેવાયો હતો પરંતુ અંગ્રેજી માનસિકતામાંથી મુક્તિ નહોતી મળી. જવાહરલાલ નહેરુએતો પોતે વિદેશી માનસિકતાથી ગ્રસ્ત છે તેનો સ્વીકાર તેમની આત્મકથામાં પણ કરેલો છે.પાના નંબર ૫૯૬ પર તેમણે લખ્યું છે કે ‘‘ઘણાં વર્ષો વિદેશમાં અભ્યાસ કર્યા બાદ હું પૂર્વ અને પશ્ચિમના મિશ્રણ સમાન બની ગયો છું,બંને જગ્યાએ બહારનો,ઘરેલુ કયાંયનો નહીં’’ ( I have become a queer mixture of the east and west, out of place everywhere, at home nowhere).નેહરુની અંગ્રેજી માનસિકતાનો અંગ્રેજોએ આઝાદી પહેલાં પણ ઘણો મોટો લાભ લીધો હતો અને આઝાદી બાદ પણ તેના લીધે દેશને ઘણું ભોગવવું પડ્યું છે.

કેન્દ્ર સરકાર દ્વારા એક જ ઝાટકે કલમ ૩૭૦ અને ૩૫એ ને નાબુદ કરવાનાં ઐતિહાસિક અને બહાદુરીભર્યા નિર્ણયને સમગ્ર દેશ અને દુનિયાનાં ભારતીયોએ સહર્ષ આવકાર્યો અને સરદાર વલ્લભભાઈ પટેલનું ભારતનાં એકીકરણનું સપનું પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહે સાકાર કર્યું તે વાત સમગ્ર દેશે સ્વીકારી પરંતુ કેટલાંક ડાબેરી માનસિકતા ધરાવતા લેખક મિત્રોએ સરદાર વલ્લભભાઈ પટેલ કાશ્મીર જતું કરવા તૈયાર હતા અને નેહરુએ જ કાશ્મીરને પાકિસ્તાનમાં જતા રોક્યું એવી ગેરસમજ ફેલાવતા હતા તેથી સત્ય અને તથ્ય સાથે કેટલીક સત્ય ઘટનાઓ અહીં મૂકી રહ્યો છું.

કાશ્મીર ભારતમાં ભળ્યું તે પહેલાંની કેટલીક ઘટનાઓ જોઈએ તો સરદાર પટેલનો કાશ્મીર પ્રત્યેનો અભિગમ વધુ સ્પષ્ટ થશે.
સરદાર વલ્લભભાઈ પટેલના સેક્રેટરી વી.શંકરે તેનાં પુસ્તકમાં લખ્યું છે કે શરૂઆતમાં કાશ્મીર અંગેની સરદાર વલ્લભભાઈ પટેલની ઉદાસીનતા તેમની કુટનૈતિક વ્યૂહરચનાનો ભાગ હતો.સરદારના મનમાં પહેલેથી જ સ્પષ્ટતા હતી કે કોઈપણ સંજોગોમાં કાશ્મીર ભારત સાથે જ હોવું જોઈએ.સરદારસાહેબે કુટનીતિ વાપરી પહેલેથી જ પંજાબ હાઇકોર્ટના ન્યાયાધીશ મહેરચંદ મહાજનની કાશ્મીરના વડાપ્રધાન તરીકે નિમણુંક કરતો આદેશ મહારાજા હરીસીંહને મોકલી આપ્યો હતો.
વલ્લભભાઈનો હરિસિંહને પત્ર,૨૧/૦૯/૧૯૪૭ : કાશ્મીરના હિતને લગતી બધી બાબતો અંગે અમારા વચ્ચે થયેલી વાતચીતનો સારાંશ ન્યાયાધીશ મહાજન તમને રૂબરૂમાં જણાવશે.અમારા તરફથી તમને પૂરો ટેકો તથા સહકાર મળશે,તેવું મેં વચન આપ્યું છે. (સરદાર પટેલના પત્ર વ્યવહાર-૦૧,પાના નં.૪૦).

૨૨મી ઓક્ટોબરે પાકિસ્તાનમાંથી ૫૦૦૦ હજાર કબાલીઓ શસ્ત્ર સરંજામ સાથે કાશ્મીરમાં ઘુસ્યા અને જોતજોતામાં મુઝફરાબાદ કબજે કરી બાળી મુક્યું.ચારે તરફ અંધાધૂંધીનો માહોલ હતો.ભારતનાં અનેક વીર બહાદુર જવાનોએ શહીદી વહોરી હતી.૨૪મી ઓક્ટોબરે હુમલાખોરોએ રાહુરાનું વીજમથક કબજે કરી શ્રીનગરનો વીજપુરવઠો બંધ કરી દીધો અને ૨૪મીની રાત્રે હુમલાખોરો બારામુલ્લા નજીક પહોંચી ગયા ત્યાંથી શ્રીનગર માત્ર ૪૦ માઈલના અંતરે જ  છે.જેની ગંભીરતા સમજીને ૨૫ ઓક્ટોબર ૧૯૪૭ની સવારે નેહરુની અધ્યક્ષતામાં પ્રધાનમંડળની સંરક્ષણ સમિતિની બેઠક મળી હતી જેમાં માઉન્ટબેટને જુનાગઢ અને કાશ્મીર બંને બાબતોમાં સંયમ વર્તવાની સલાહ આપી. જેને નેહરુએ ટેકો આપ્યો હતો ત્યારે સરદારે દ્રઢતાપૂર્વક જુનાગઢ અંગેના હુકમમાં ફેરફાર કરવાનો ઇન્કાર કરી કહ્યું હતું કે કાશ્મીરને લશ્કરી સહાય આપવામાં ભારતને રોકી શકે તેવી કોઈ મુશ્કેલી પોતાને જણાતી નથી.ત્યારબાદ નેહરુના અણગમા છતાં કાશ્મીરમાં લશ્કર મોકલ્યું હતું જેથી આપણે કાશ્મીર બચાવી શક્યા.

નેહરુનો અબ્દુલ્લા પ્રેમ : નેહરુએ ૨જી ડિસેમ્બરે મહારાજા હરિસિંહને લેખિત આદેશ આપ્યો ‘’ શેખ અબ્દુલ્લાને કાશ્મીરના વડાપ્રધાન બનાવીને તેમને પોતાનું પ્રધાનમંડળ બનાવવાનું કહેવું જોઈએ.મહાજન પ્રધાન બની શકે અને પ્રધાનમંડળની બેઠક વખતે અધ્યક્ષ પદે બેસી શકે પરંતુ મહાજન વડાપ્રધાન તરીકે ચાલુ રહે તો ગોટાળો થવાની સંભાવના રહે.વચગાળાની સરકારને પૂરી સતા સોંપી, તમારે ફક્ત બંધારણીય વડા રહેવું.’’(સરદાર પટેલના પત્ર વ્યવહાર-૦૪,પાના નં.૩૧૮).
દેશના ગૃહમંત્રી તરીકે અત્યાર સુધી આ બધી બાબતો સરદાર સાહેબ જોતા હતા પરંતુ આ પત્ર દ્વારા કાશ્મીર અંગેની નીતિ બનાવવાનું કામ નેહરુએ પોતાના હાથમાં લઇ લીધું.કાશ્મીર સંભાળવા માટે નેહરુએ ખાતા વગરના પ્રધાન તરીકે ગોપાળસ્વામી આયંગરની નિમણુંક કરી.આયંગર કાશ્મીરના જુના દિવાન હતા પરંતુ તેમની નિમણુંક અંગે પણ સરદાર સાહેબ સાથે અગાઉ પરામર્શ થયો નહોતો.(વી.શંકર,માય રેમીનિસન્સીઝ ઓફ સરદાર પટેલ ૦૧,પાના નં.૧૩૬).કાશ્મીરના પ્રશ્નને સંયુક્ત રાષ્ટ્રસંઘમાં લઇ જવા સામે પણ સરદાર સાહેબનો ઉગ્ર વિરોધ હતો પણ માઉન્ટબેટન અને નેહરુએ આ પ્રશ્ન સયુંકત રાષ્ટ્રસંઘને સોંપ્યો.

કાશ્મીર પ્રશ્ન એ નેહરુની અંગ્રેજ માનસિકતા અને શેખ અબ્દુલ્લા પ્રત્યેના રહસ્યમય પ્રેમનું દુષ્પરિણામ છે.સરદાર વલ્લભભાઈ પટેલ,ડો.બાબાસાહેબ આંબેડકર અને ડો.શ્યામાપ્રસાદ મુખરજી કાશ્મીરને ખાસ દરજ્જો મળે તેના સખ્ત વિરોધી હતાં.ડો.આંબેડકરે બંધારણસભાની ડ્રાફ્ટ કમિટીનો રીપોર્ટ જયારે ૨૧ ફેબ્રુઆરી,૧૯૪૮ના દિવસે બંધારણસભાના અધ્યક્ષ ડો.રાજેન્દ્ર પ્રસાદને સોંપ્યો ત્યારે તેમાં કાશ્મીરને ખાસ દરજ્જો આપવાની કે શેખ અબ્દુલ્લાને કાશ્મીરના વડાપ્રધાન બનાવવાનો કોઈ ઉલ્લેખ નહોતો.કાશ્મીરને ખાસ દરજ્જો આપવા માટે નેહરુ અને શેખ અબ્દુલ્લા વચ્ચે ચર્ચા થઇ,નેહરુ તૈયાર હતા પરંતુ તેમણે અબ્દુલ્લાને કહ્યું કે તમે ડો.આંબેડકરને અને સરદારને મનાવી લો.

શેખ અબ્દુલ્લાએ જયારે આ પ્રસ્તાવ ડો.આંબેડકર સમક્ષ મુક્યો ત્યારે ડો.આંબેડકરનો જવાબ ‘’મી.અબ્દુલ્લા,તમે ઈચ્છો છો કે ભારત કાશ્મીરનું રક્ષણ કરે,કાશ્મીરની સીમાઓની સુરક્ષા કરે,કાશ્મીરમાં રોડ-રસ્તા બનાવે.અનાજ પૂરું પાડે અને કાશ્મીરને ભારત સમકક્ષ દરજ્જો મળે પરંતુ તમે નથી ઈચ્છતા કે ભારત અને ભારતના કોઈપણ નાગરિકને કાશ્મીરમાં કોઈ અધિકાર મળે.તમે ઈચ્છોછો કે ભારત સરકારને કાશ્મીરમાં મર્યાદિત સતા મળે.તમારા આ પ્રસ્તાવને માન્ય રાખવો તે દેશ સાથે દગાબાજી ગણાશે અને દેશના લોકોનો વિશ્વાસઘાત થયો ગણાશે.હું ભારતના કાયદામંત્રી તરીકે દેશહિત વિરુદ્ધનું કોઈ પણ કાર્ય કરીશ નહી’’ (પાના નંબર ૪૭૨,ડો.બી.આર.આંબેડકર ફ્રેમીંગ ઓફ ઇન્ડિયન કોન્સ્ટીટ્યુશન).

આમ,એક તરફ સરદાર વલ્લભભાઈ પટેલ પ્રખર રાષ્ટ્રવાદી નેતા હતા તો બીજી તરફ અંગ્રેજી રંગે રંગાયેલા નેહરુ.બધાનાં વિરોધ છતાં તુષ્ટિકરણની રાજનીતિ અને શેખ અબ્દુલ્લાને ખુશ રાખવા કાશ્મીરને ખાસ દરજ્જો આપવામાં આવ્યો હતો.આઝાદી બાદ ૧૭ વર્ષ સુધી જવાહરલાલ નહેરુ દેશના વડાપ્રધાન રહ્યા ત્યાર બાદ તેમના વંશજો.પરંતુ કોઈએ આ અસ્થાયી કલમ હટાવવાની પહેલ ન કરી અને સરદાર પટેલે વી.શંકરને કરેલી વાત સાચી સાબીત થઇ કે,’’જે સરકારમાં પ્રબળ રાષ્ટ્રભાવના હશે અને દેશની એકતા અને અખંડીતતા માટેની કટીબધ્ધતા હશે તે સરકાર આ ‘અસ્થાયી’ કલમ હટાવી દેશનાં એકીકરણનું અધૂરું કાર્ય પૂર્ણ કરશે,પરંતુ એ થશે જરુર તેવી મને શ્રધ્ધા છે.’’

ટિપ્પણીઓ નથી: