મંગળવાર, 23 જૂન, 2026

યુદ્ધગ્રસ્ત વિશ્વમાં ભારતનું વધતું મહત્વ : ધ બેલેન્સ ઓફ પાવર ઈઝ ચેન્જીંગ

 

અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ ચાલુ થયું તેનાં થોડાં દિવસો પહેલાં અમેરિકાના અબજોપતિ ઉદ્યોગ સાહસિક એલોન મસ્ક દ્વારા પોતાનાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ મુકવામાં આવી હતી.જેનું મથાળું હતું ‘ધ બેલેન્સ ઓફ પાવર ઈઝ ચેન્જીંગ’ અને તેમાં તેણે આઈ.એમ.એફ.નો સંદર્ભ આપીને આંકડાકીય માહિતી આપી છે.જે મુજબ ૨૦૨૬ના વર્ષમાં વૈશ્વિક જીડીપી ગ્રોથમાં ચીનનો હિસ્સો ૨૬.૬ ટકા અને ભારતનો હિસ્સો 17 ટકા રહેશે.ત્યારબાદ ત્રીજા ક્રમે અમેરિકાનો હિસ્સો ૯.૯ ટકા દર્શાવ્યો છે.આ આંકડાઓ મુજબ જોઈએ તો ૪૬.૪ ટકામાં વિશ્વના બધાં દેશો આવી જાય અને ૪૩.૬ ટકા હિસ્સો માત્ર બે દેશોનો ચીન અને ભારત અને એટલાં માટેજ એલોન મસ્કે લખ્યું છે કે ‘ધ બેલેન્સ ઓફ પાવર ઈઝ ચેન્જીંગ’.આઈ.એમ.એફ.નાં જ આંકડા પ્રમાણે વૈશ્વિક જીડીપીમાં ભારતનો હિસ્સો ૧૯૮૦માં માત્ર ૨.૭૭ ટકા હતો,જે ૨૦૨૪માં વધીને ૮.૩૩ ટકા થયો અને હવે ૨૦૨૬માં આ હિસ્સો વધીને 17 ટકા થશે.આ માત્ર આંકડાઓ નથી પરંતુ છેલ્લાં ૧૧ વર્ષમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થયેલાં દેશના વિકાસનો પુરાવો છે.

વિશ્વનાં આર્થિક વિશ્લેષકો,વર્લ્ડ બેંક,આઈ.એમ.એફ. તેમજ જુદી-જુદી રેટિંગ એજન્સીઓએ પણ વરતારો આપ્યો છે કે આગામી સમયમાં ચીનનો આર્થિક વિકાસ નબળો પડવાનો છે.ડેમોગ્રાફિક ક્રાઈસીસ, રીયલ એસ્ટેટ સંકટ, જીઓપોલીટીકલ તણાવ, ટેકનોલોજી પ્રતિબંધ, આંતરિક વપરાશમાં ઘટાડો વેગેરે જેવાં અનેક કારણોને લીધે ચીન વૈશ્વિક GDP ગ્રોથમાં ભારત કરતાં પાછળ રહી શકે છે.

વિશ્વવ્યવસ્થામાં આજે એક મોટા પરિવર્તનનો સમય ચાલી રહ્યો છે. ૨૦મી સદીમાં દુનિયા અમેરિકાના પ્રભાવની અને ૨૧મી સદીના પ્રારંભમાં ચીનના ઉદયની સાક્ષી બની. પરંતુ ૨૦૨૦ પછીના દાયકામાં વૈશ્વિક સત્તાસંતુલનમાં ભારત એક નવા કેન્દ્રબિંદુ તરીકે ઉભો થઈ રહ્યો છે. પોલીસી પેરાલીસીસના યુગમાંથી હવે આપણે પોલીસી ડ્રીવન ડેવલોપમેન્ટના યુગમાં પ્રવેશ કરી ચુક્યા છીએ. ભારતીય અર્થતંત્ર માટે સૌથી સારા સમાચાર એ છે કે, વિશ્વમાં ચાલી રહેલાં યુદ્ધોને લીધે આપણાં પડોશી દેશો સહીત વિશ્વનાં અનેક દેશોના અર્થતંત્રોની હાલત કફોડી થઇ રહી છે. જયારે પ્રોગ્રેસીવ અને પ્રોએક્ટીવ ગવર્નમેન્ટ દ્વારા સમયસર થયેલાં આર્થીક સુધારાઓને લીધે ભારતીય અર્થતંત્ર અડીખમ ઉભું રહી શકશે.આજે ભારત ડીફેન્સ, ડેમોગ્રાફિ, ડીજીટાઈઝેશન, અને ડીપ્લોમસી એમ ચાર ‘ડી’ ને લીધે વિશ્વના આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે અને સમગ્ર વિશ્વ પોતાની સમસ્યાના ઉકેલ માટે પણ ભારતને જ પોતાનો શ્રેષ્ઠ મદદગાર માને છે.

  • ડીફેન્સ : ભારત છેલ્લા દાયકામાં રક્ષાક્ષેત્રમાં આત્મનિર્ભર બનવા માટે ઝડપથી આગળ વધી રહ્યું છે. “આત્મનિર્ભર ભારત” અને “મેક ઇન ઇન્ડિયાઅભિયાનના ભાગરૂપે રક્ષા ઉત્પાદન, ટેક્નોલોજી વિકાસ અને નિકાસમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. 2014માં ભારતની રક્ષા નિકાસ 686 કરોડ હતી.જયારે 2024–25માં રક્ષા નિકાસ 21,000 કરોડથી વધુ થઇ હતી..બ્રહ્મોસ મિસાઈલ,રડાર સિસ્ટમ,પેટ્રોલ બોટ,ડ્રોન,મિસાઈલ સિસ્ટમ,એરડીફેન્સ સીસ્ટમ જેવાં આધુનિક રક્ષા સાધનો ભારત હવે 100થી વધુ દેશોમાં નિકાસ કરે છે.ભારતે પોતાનું સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર આઈ.એન.એસ.વિક્રાંત પણ બનાવી લીધું છે.વિશ્વના બહુ ઓછા દેશો આ ક્ષમતા ધરાવે છે. વિશ્વની સૌથી ઝડપી ક્રૂઝ મિસાઈલ બ્રહ્મોસ મિસાઈલ ભારતે બનાવી છે અને ફિલિપાઈન્સ સાથે લગભગ 375 મિલિયન ડોલરનો નિકાસ કરાર પણ થઇ ચુક્યો છે અને હવે મલેશિયાએ પણ ખરીદવાનું નક્કી કરી લીધું છે. ભારત આજે રક્ષા અને સુરક્ષા ક્ષેત્રમાં એક મોટા પરિવર્તનના તબક્કામાં છે.સ્વદેશી ટેક્નોલોજી, વધતું રોકાણ, ખાનગી ક્ષેત્રની ભાગીદારી અને વધતી રક્ષા નિકાસના કારણે ભારત ધીમે ધીમે રક્ષા આયાતકાર દેશમાંથી રક્ષા ઉત્પાદક અને નિકાસકાર દેશ બની રહ્યો છે. 2029 સુધીમાં રૂપિયા 3 લાખ કરોડનું રક્ષા ઉત્પાદન અને 50,000 કરોડની રક્ષા નિકાસ સાથે વૈશ્વિક રક્ષા ઉત્પાદન કેન્દ્ર બનવું એ ભારતનું લાંબા ગાળાનું લક્ષ્ય છે.
  • ડેમોગ્રાફી : ભારતની સૌથી મોટી શક્તિ યુવા વસ્તી છે. દુનિયાના ઘણા મોટા દેશો જેમ કે યુરોપ, જાપાન અને ચીનમાં વૃદ્ધોની સંખ્યા વધારે છે. જ્યારે ભારત પાસે વિશાળ યુવા વર્કફોર્સ છે. આ પરિસ્થિતિ ભારતને આગામી દાયકાઓમાં આર્થિક અને વ્યૂહાત્મક રીતે વિશાળ લાભ આપી શકે છે.આજે ભારતની વસ્તી લગભગ 1.47 અબજ છે અને તેમાં લગભગ 65% વસ્તી 40 વર્ષથી ઓછી ઉંમરની છે.યુવા વર્કફોર્સ વધુ હોવાનો મતલબ વધુ ઉત્પાદન-વધુ આવક.જેની સીધી અસર દેશની અર્થવ્યવસ્થા પર થાય છે. મેન્યુફેક્ચરિંગ માટે વધુ યુવા વર્કફોર્સ જરૂરી હોય છે.ચીનમાં વસ્તી વૃદ્ધ થઈ રહી છે, જેના કારણે ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે.તેની સામે ભારતમાં મોટી યુવા વર્કફોર્સને લીધે વેતનદરો પણ સ્પર્ધાત્મક છે.આ કારણે ઘણી કંપનીઓ ઉત્પાદન માટે ભારત તરફ વળી રહી છે.સાથે સાથે યુવા વર્કફોર્સ પોતે ઉપભોક્તા પણ છે એટલે જ ભારત વિશ્વનું સૌથી મોટું બજાર છે.ભારતના યુવાનો ટેકનોલોજીના ઉપયોગમાં પણ સૌથી આગળ છે.અંગ્રેજી ભાષા બોલી શકે તેવું વિશ્વમાં સૌથી મોટું યુવાધન પણ ભારત પાસે છે.
  • ડીજીટાઈઝેશન : છેલ્લા દશકામાં ભારતે ડિજિટલ ક્ષેત્રમાં એક અસાધારણ પ્રગતિ અને પરિવર્તન જોયું છે. સરકારના ડિજીટલ ઇન્ડિયા અભિયાન, ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્નોલોજીના બહોળા ઉપયોગના કારણે ભારત આજે વિશ્વનું સૌથી મોટું ડિજિટલ અર્થતંત્ર બની ગયું છે.ડિજિટાઈઝેશન એ માત્ર ટેક્નોલોજીનો વિકાસ નથી, તે શાસન, અર્થતંત્ર અને સમાજના આધુનિકીકરણનો આધાર બની ગયું છે અને વિકાસનું ચાલકબળ બની ગયું છે.ભારત આજે વિશ્વના ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રમાં સૌથી આગળ છે.વિશ્વના લગભગ 40% ડિજિટલ ટ્રાન્ઝેક્શન ભારતમાં થાય છે.દર મહિને લાખો કરોડ રૂપિયાના UPI ટ્રાન્ઝેક્શન થાય છે જેમાં નાના વેપારીઓ પણ મહતમ ઉપયોગ કરે છે. ડિજિટાઈઝેશનના કારણે સરકારની ઘણીબધી સેવાઓ ઓનલાઈન થઈ ગઈ છે. ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર દ્વારા સરકારની સહાય સીધી લાભાર્થીઓના ખાતામાં જમા થાય છે.તેનાં લીધે ભ્રષ્ટાચાર ઘટ્યો,પારદર્શિતા વધી અને સરકારના કરોડો રૂપિયાની બચત થઈ. ડિજિટલ પેમેન્ટ્સ, સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ, સરકારની ડિજિટલ સેવાઓ અને ગ્રામ્ય કનેક્ટિવિટીના કારણે ભારત ઝડપથી એક આધુનિક ડિજિટલ અર્થતંત્ર તરફ આગળ વધી રહ્યું છે. આ ડિજિટલ પરિવર્તન ભારતને માત્ર આર્થિક રીતે જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે ટેક્નોલોજીકલ શક્તિ તરીકે સ્થાપિત કરવાની દિશામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.
  • ડીપ્લોમસી : ૨૧મી સદીના વૈશ્વિક રાજકારણમાં ભારતની ડિપ્લોમસી એટલેકે વિદેશ નીતિ એક મહત્વપૂર્ણ શક્તિ તરીકે ઉભરી રહી છે. છેલ્લા દાયકામાં ભારતે એવી સંતુલિત અને વ્યૂહાત્મક વિદેશ નીતિ અપનાવી છે જેના કારણે તે વિશ્વમાં એક વિશ્વસનીય, સંતુલિત અને જવાબદાર શક્તિ તરીકે ઓળખાવા લાગ્યું છે.ભારતની ડિપ્લોમસીનો મુખ્ય આધાર છે – ‘સ્ટ્રેટેજીક ઓટોનોમી’ એટલે કે પોતાના રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને સ્વતંત્ર નિર્ણય લેવાની ક્ષમતા. કોઈ એક દેશ તરફ જુક્વાને બદલે ભારતે સંતુલિત નીતિ અપનાવી એક સાથે અનેક શક્તિ કેન્દ્રો સાથે સંબંધ રાખવાનો અભિગમ અપનાવ્યો છે. જેમકે અમેરિકા સાથે વ્યૂહાત્મક ભાગીદારી, રશિયા સાથે રક્ષા સહકાર, યુરોપિયન દેશો સાથે વેપાર અને ટેક્નોલોજી સહકાર, ગ્લોબલ સાઉથ દેશો સાથે વિકાસ સહકાર. આમ, આ સંતુલિત અભિગમ ભારતને વૈશ્વિક રાજકારણમાં એક મધ્યસ્થ શક્તિ બનાવે છે. ઇઝરાયેલ-ઈરાન-અમેરિકા યુદ્ધને કારણે હોર્મુઝની ખાડીમાં સેંકડો જહાજો ફસાયા છે ત્યારે ઈરાનના રાજદૂત મહમદ ફથાલીએ જણાવ્યું હતું કે, ભારત અમારો મિત્ર છે અને ભારતના જહાજોને સુરક્ષિત રીતે હોર્મુઝમાંથી પસાર થવાનો રસ્તો ચોક્કસ આપીશું.પરિણામે ભારતના બે ઓઈલ-ગેસ જહાજો સુરક્ષિત રીતે ભારત પહોંચી પણ ગયા છે.જેને ભારતની મોટી કુટનૈતિક જીત કહી શકાય.તેવી જ રીતે છેલ્લાં એક મહિનામાં અમેરિકા, કેનેડા, ઇટલી, જર્મની, ચીન, ઓસ્ટ્રેલીયા, યુકે સહિતનાં દેશોએ પેટ્રોલના ભાવમાં તોતિંગ ભાવ વધારો કરવો પડ્યો છે. પરંતુ ભારતે તેના પેટ્રોલના ભાવમાં કોઈપણ વધારો કર્યો નથી.હાલમાં જ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડયુટીમાં ૧૦ રૂપિયાનો ઘટાડો કરીને વૈશ્વિક ક્રુડ ઓઈલના ભાવ વધારાનો બોજ દેશની સામાન્ય જનતા પર પડવા દીધો નથી.આમ,વૈશ્વિક અસંતુલન અને યુદ્ધની સ્થિતિ વચ્ચે પણ સફળ વિદેશનીતિ અને વિચક્ષણ નેતૃત્વને કારણે ભારત પોતાના હિતોને સુરક્ષિત રાખી શક્યું છે.

ભારતે 2023માં G20 ની અધ્યક્ષતા કરી અને નવી દિલ્હી સમિટનું સફળ આયોજન કર્યું. ભારત ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સ્થિરતા અને સુરક્ષામાં પણ ‘ક્વાડ’ ના સભ્ય તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. ભારત માત્ર વ્યૂહાત્મક ડિપ્લોમસી જ નહીં પરંતુ માનવતાવાદી સહકારમાં પણ આગળ છે.કુદરતી આપત્તિ સમયે સહાય, વિકાસશીલ દેશોને ટેક્નિકલ સહાય, COVID સમયગાળામાં અનેક દેશોને રસી પૂરી પાડવી, વગેરે જેવા અનેક માનવતાવાદી કાર્યો દ્વારા ભારતનો સ્વીકાર એક વૈશ્વિક શક્તિશાળી મદદગાર તરીકે થઇ રહ્યો છે. ભારત પર્યાવરણ અને ઊર્જા ક્ષેત્રમાં પણ વૈશ્વિક નેતૃત્વ દર્શાવી રહ્યું છે. ભારત દ્વારા શરૂ કરાયેલ  ‘ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ’ માં હવે 100થી વધુ દેશોએ જોડાઈને ભારતનું નેતૃત્વ સ્વીકાર્યું છે. વૈશ્વિક વેપારક્ષેત્રે પણ ભારત પોતાના હિતોને સુરક્ષિત રાખીને વ્યાપાર સંબંધો મજબૂત કરી રહ્યું છે. અમેરિકા, યુરોપ, યુએઈ, ઓસ્ટ્રેલીયા, ન્યુઝીલેન્ડ વગેરે જેવાં દેશો સાથે ભારતે ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યા છે. જેના લીધે ભારત કોઈના દબાવમાં કે પ્રભાવમાં આવ્યા વગર પોતાના અર્થતંત્રના વિકાસને તેજ ગતિ આપી શકશે. ભારતની ડિપ્લોમસી આજે તેની વૈશ્વિક શક્તિનો મહત્વપૂર્ણ આધાર બની ગઈ છે.

આપણાં સૌ માટે આનંદની વાત એ છે કે આજનાં યુદ્ધગ્રસ્ત વિશ્વમાં ભારત એક વિશ્વસનીય મધ્યસ્થ અને શક્તિશાળી અર્થતંત્ર તરીકે ઉભરી રહ્યું છે અને એટલે જ એલોન મસ્કે લખ્યું હશે કે ‘ધ બેલેન્સ ઓફ પાવર ઈઝ ચેન્જીંગ’

બુધવાર, 4 માર્ચ, 2026

રાષ્ટ્રોદયમાં જનસંઘ અને ભાજપનું યોગદાન: વૈચારિક સંઘર્ષથી ‘વિકસિત ભારત’ના સંકલ્પ સુધી

 ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ ભારત આઝાદ તો થયું, પરંતુ વૈચારિક રીતે હજુ પણ ગુલામીની સાંકળોમાં જકડાયેલું હતું. તત્કાલીન શાસન વ્યવસ્થા પશ્ચિમી મોડેલને અનુસરી રહી હતી. આવા સમયે, ભારતની મૂળભૂત સાંસ્કૃતિક ઓળખને રાજનીતિના કેન્દ્રમાં લાવવા માટે ૨૧ ઓક્ટોબર ૧૯૫૧ના રોજ ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીએ 'ભારતીય જનસંઘ'ની સ્થાપના કરી. આ માત્ર એક રાજકીય પક્ષ નહોતો, પણ ભારતને 'ભારતીયતા'ના આધારે બેઠું કરવાનું એક આંદોલન હતું.

કોઈપણ રાષ્ટ્રનો ઉદય ત્યારે જ શક્ય બને છે જ્યારે તેની રાજકીય વિચારધારા તેના સાંસ્કૃતિક મૂળ સાથે જોડાયેલી હોય. ભારતના આધુનિક ઈતિહાસમાં ભારતીય જનસંઘ અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીની યાત્રા એ માત્ર સત્તાના સંઘર્ષની વાત નથી, પરંતુ 'ભારત માતા'ને વિશ્વગુરુના સિંહાસન પર બિરાજમાન કરવાના પવિત્ર સંકલ્પની ગાથા છે. ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીએ વાવેલું બીજ આજે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એક ઘટાદાર વટવૃક્ષ બનીને સમગ્ર વિશ્વને ભારતની શક્તિનો પરિચય કરાવી રહ્યું છે.

ભારતીય લોકશાહીના ઈતિહાસમાં ભારતીય જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીની યાત્રા એ માત્ર રાજકીય ઉતાર-ચઢાવની વાર્તા નથી, પરંતુ તે ભારતની ગુમાવેલી સામાજિક અને સાંસ્કૃતિક ઓળખને પુનઃસ્થાપિત કરવાનું એક અભિયાન છે. 'રાષ્ટ્ર પ્રથમ' ના મંત્ર સાથે શરૂ થયેલી આ સફર આજે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા સુધી પહોંચી છે.

 

૧. જનસંઘની સ્થાપના: વૈચારિક પાયો અને સંઘર્ષ

૧૯૫૧માં જ્યારે ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીએ ભારતીય જનસંઘની સ્થાપના કરી, ત્યારે દેશમાં પશ્ચિમી વિચારધારાનો પ્રભાવ હતો. આવા સમયે ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીએ ભારતીય સંસ્કૃતિ અને મર્યાદાઓને અનુરૂપ રાજનીતિ કરવા માટે 'ભારતીય જનસંઘ'ની સ્થાપના કરી. જનસંઘે દેશને 'એકાત્મ માનવવાદ' અને 'સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ' જેવી મૌલિક ભારતીય વિચારધારા આપી.

કાશ્મીરનો પ્રશ્ન અને બલિદાન: જનસંઘનો પ્રથમ મોટો સંઘર્ષ કાશ્મીરની એકતા માટે હતો. "એક દેશમાં બે નિશાન, બે વિધાન અને બે પ્રધાન નહીં ચાલે" - આ સૂત્ર સાથે ડૉ. મુખર્જીએ જેલવાસ ભોગવ્યો અને શહાદત વહોરી. આ બલિદાન જ ભાજપની 'રાષ્ટ્ર પ્રથમ'ની નીતિનો પાયો બન્યું.

એકાત્મ માનવવાદ: પંડિત દીનદયાલ ઉપાધ્યાયે ૧૯૬૫માં 'એકાત્મ માનવવાદ'નો સિદ્ધાંત આપ્યો. તેમણે સમજાવ્યું કે ભારતનો વિકાસ પશ્ચિમી મૂડીવાદ કે સામ્યવાદથી નહીં, પરંતુ માનવીના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસના સંતુલનથી જ શક્ય છે.

 

ભાજપની સ્થાપના અને લોકશાહીનું રક્ષણ

૧૯૭૫ની કટોકટીમાં લોકશાહી બચાવવા જનસંઘના નેતાઓએ જેલવાસ ભોગવ્યો અને બાદમાં જનતા પાર્ટીમાં વિલીનીકરણ કર્યું. પરંતુ ૧૯૮૦માં જ્યારે વૈચારિક મતભેદો સર્જાયા, ત્યારે ૬ એપ્રિલ ૧૯૮૦ના રોજ મુંબઈના દરિયા કિનારે ભારતીય જનતા પાર્ટીનો ઉદય થયો.એ વખતે પ્રથમ સંબોધનમાં અટલ બિહારી વાજપેયીજીનું ઐતિહાસિક વિધાન હતું ‘અંધેરા છટેગા, સુરજ નિકલેગા, કમાલ ખીલેગા’

  • રામ જન્મભૂમિ આંદોલન: ૮૦ના દાયકાના અંતમાં લાલકૃષ્ણ અડવાણીની સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રાએ ભારતના સુષુપ્ત રાષ્ટ્રવાદને જગાડ્યો. આ આંદોલને ભાજપને જન-જનની પાર્ટી બનાવી દીધી.

વાજપેયી યુગ: પરમાણુ શક્તિ અને સુશાસન

૧૯૯૮ થી ૨૦૦૪ સુધીનો અટલજીનો કાર્યકાળ ભારત માટે ગૌરવશાળી રહ્યો.

  • પોખરણ-૨: વિશ્વના દબાણ છતાં ભારતે પરમાણુ પરીક્ષણ કરી પોતાની સાર્વભૌમત્વતા સાબિત કરી.
  • સંપર્ક ક્રાંતિ: વડાપ્રધાન ગ્રામ સડક યોજના અને સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના દ્વારા ભારતના ગામડાં અને શહેરોને જોડવાની મહાયોજના અમલમાં મૂકી.

નરેન્દ્ર મોદી કાળ: પરિવર્તનનું સુવર્ણ પ્રકરણ

૨૦૧૪માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મળેલી પ્રચંડ બહુમતીએ ભારતમાં 'સુધારા, પ્રદર્શન અને પરિવર્તન' (Reform, Perform, Transform) ના યુગનો પ્રારંભ કર્યો. મોદીજીના શાસનમાં ભારતની છબી 'લાચાર દેશ'માંથી 'નિર્ણાયક દેશ' તરીકે બદલાઈ.

રાષ્ટ્રીય સુરક્ષા અને અખંડિતતા

કલમ ૩૭૦ની નાબૂદી એ માત્ર કાયદાકીય ફેરફાર નહોતો, પરંતુ જનસંઘના સ્થાપકને આપેલી સાચી શ્રદ્ધાંજલિ હતી. સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક દ્વારા ભારતે સ્પષ્ટ કર્યું કે અમે ઘરમાં ઘૂસીને પણ મારી શકીએ છીએ. આજે સરહદો સુરક્ષિત છે અને આંતરિક સુરક્ષા મજબૂત બની છે.

સાંસ્કૃતિક અભ્યુદય

સદીઓ જૂના સંઘર્ષ બાદ અયોધ્યામાં પ્રભુ શ્રીરામનું ભવ્ય મંદિર, કાશી વિશ્વનાથ કોરિડોર, મહાકાલ લોક અને સોમનાથનો કાયાકલ્પ—આ બધું જ ભારતના 'સાંસ્કૃતિક પુનરુત્થાન'ના પ્રતિક છે. યોગને વિશ્વ સ્તરે માન્યતા અપાવી ભારતને 'વિશ્વગુરુ'ના પથ પર અગ્રેસર કર્યું છે.

આર્થિક સધ્ધરતા અને ડિજિટલ ઇન્ડિયા

ભારત આજે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને ટૂંક સમયમાં ત્રીજા સ્થાને પહોંચવા જઈ રહ્યું છે.UPI ક્રાંતિને લીધે આજે વિશ્વના ૪૦% ડિજિટલ ટ્રાન્ઝેક્શન ભારતમાં થાય છે.સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબુત બનાવી આજે ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ હબ બન્યું છે, જે યુવાનોને રોજગાર શોધનારને બદલે રોજગાર આપનાર બનાવી રહ્યું છે.

છેવાડાના માનવીનો વિકાસ (અંત્યોદય)

 

·       ૮૦ કરોડ લોકોને મફત અનાજ (PMGKAY).

  • ૧૨ કરોડ પરિવારોને શૌચાલય અને સ્વચ્છતા અભિયાન.
  • ૫૦ કરોડ લોકોને આયુષ્માન કાર્ડ દ્વારા મફત સારવાર.
  • હર ઘર જલ યોજના દ્વારા પીવાના શુદ્ધ પાણીની સુવિધા.

 

વિશ્વમિત્ર તરીકે ભારત

આજે રશિયા-યુક્રેન યુદ્ધ હોય કે ગ્લોબલ વોર્મિંગ હોય કે કપરો કોરોના કાળ હોય, દરેક વખતે વિશ્વ ભારત તરફ ઉકેલ માટે જુએ છે. G20ના સફળ આયોજને સાબિત કર્યું કે ભારત વૈશ્વિક એજન્ડા સેટ કરવાની ક્ષમતા ધરાવે છે. કોરોના કાળમાં પણ વિશ્વના ૮૦ જેટલા દેશોમાં કોરોનાની રસી પહોંચાડી 'વસુધૈવ કુટુંબકમ'ની વિભાવનાને ચરિતાર્થ કરી બતાવી.દરેક મુસીબતોમાં ભારત આજે સમગ્ર વિશ્વનો સાથ આપી રહ્યું છે.

જનસંઘથી શરૂ થયેલી આ યાત્રા આજે 'વિકસિત ભારત ૨૦૪૭'ના લક્ષ્ય સાથે આગળ વધી રહી છે. ભાજપના શાસનમાં ભારત પોતાની પ્રાચીન ઓળખ અને આધુનિક વિજ્ઞાનનો સમન્વય સાધી રહ્યું છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત માત્ર પ્રગતિ નથી કરી રહ્યું, પરંતુ પોતાની ખોવાયેલી ગરિમા પુનઃ પ્રાપ્ત કરી રહ્યું છે. આગામી પચીસ વર્ષનો 'અમૃતકાળ' એ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે.રાષ્ટ્રોદયમાં જનસંઘ અને ભાજપનું યોગદાન અદ્વિતીય રહેશે.

શુક્રવાર, 1 એપ્રિલ, 2022

સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ : કુછ બાત હૈ કી હસ્તી મિટતી નહીં હમારી

 યુનાન,મિશ્ર ઔર રોમ સબ મિટ ગયે જહાં સે,અબ તક મગર હે બાકી નામો-નીંશા હમારા,

સદીયો સે રહા હે દુશ્મન દૌરે જહાં હમારા, મગર કુછ બાત હે કી હસ્તી મિટતી નહીં હમારી.

કવિશ્રી ઇકબાલની આ પંક્તિઓ હિન્દુસ્તાનના ભવ્ય સાંસ્કૃતિક વારસાને પ્રતિબિંબિત કરે છે. ઇતિહાસવિદો અને સંશોધકોના અભ્યાસ મુજબ હિંદુ આર્ય સંસ્કૃતિ એ વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિ છે.જે આજે પણ જીવંત છે અને જીવંત રહેશે. હજારો વર્ષોમાં હિન્દુસ્તાન ઉપર અનેક વખત આક્રમણો થયા. વર્ષો સુધી અનેક વિદેશીઓએ શાશન કર્યું તથા જુદાં જુદાં ધર્મનાં અનેક શાશનકર્તાઓએ રાજ કર્યું હોવા છતાં પણ ભારત તેનાં સાંસ્કૃતિક અને ધાર્મિક વારસા સાથે આજે પણ અડીખમ ઉભું છે. 'કુછ બાત હે કી હસ્તી મીટતી નહીં હમારીતેની પાછળનું રહસ્ય શું છે ? તો તેનો જવાબ છે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ’.

આપણી સંસ્કૃતિ એ જ આપણાં અસ્તિત્વનો મુખ્ય આધાર છે અને તેથી જ આપણાં રાષ્ટ્રવાદને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદકહેવામાં આવ્યો છે. ભારત દેશ સંસ્કૃતિ પ્રધાન દેશ છે. આપણી સંસ્કૃતિ એક વિશ્વના ભાવ સાથે જોડાયેલી છે. જે રીતે આત્મા વગરનું શરીર નકામું થઇ જાય છે તે જ રીતે સંસ્કૃતિ વગરનો દેશ નિષ્પ્રાણ થઇ જાય છે.પશુ-પક્ષી,જીવ-જંતુ,વૃક્ષો,નદી,પહાડ,સૂર્ય-ચંદ્ર એમ પ્રકૃતિના તમામ ઘટકો સાથેના સહઅસ્તિત્વનો સ્વીકાર તેમનાં પૂજન અને રક્ષણ તથા બધા પ્રત્યે ઉદારતા,સંવેદનશીલતા,માનવતા અને સહિષ્ણુતા એ આપણો સાંસ્કૃતિક વારસો છે. ભારતમાં બૌદ્ધ,ઈસાઈ,મુસ્લિમ,પારસી,જૈન વગેરે જેવા અનેક ધર્મના લોકો રહે છે. બધાની જ્ઞાતિ-જાતી તથા ધર્મ અલગ અલગ છે પરંતુ બધાની સંસ્કૃતિ એક જ છે.

આ પ્રકારની સંસ્કૃતિનું નિર્માણ એ હજારો-લાખો વર્ષોની તપશ્ચર્યાનું પરિણામ છે. હિંદુત્વ એ ભારતની મૂળ સંસ્કૃતિ છે. વિદેશી વિચારોથી પ્રભાવિત સંકુચિત માનસિકતા ધરાવતા કેટલાંક તત્વો હિંદુત્વને ધર્મના દાયરામાં સીમિત બનાવવાનો વર્ષોથી પ્રયાસ કરી રહ્યાં છે.વાસ્તવમાં હિંદુત્વનો વિચાર સર્વગ્રાહી વિચાર છે. હિંદુત્વ સમગ્ર વિશ્વને સાચો માર્ગ બત્તાવવા સક્ષમ છે. હિંદુત્વ એ જ ભારત અને ભારત એ જ હિંદુત્વ અને હિંદુત્વ એ જ ભારતનો સાંસ્કૃતિક રાષ્ટ્રવાદછે.

૧૮૫૭ પછી અંગ્રેજોને સમજાયું કે ભારતની રાષ્ટ્રભાવનાનો આધાર રાજનૈતિક નથી પરંતુ તેનો આધાર સાંસ્કૃતિક છે. ૧૮૫૭ની લડાઈમાં ભારતીયોએ પંથ,સંપ્રદાય,ધર્મ તથા જાતિથી ઉપર ઉઠીને માતૃભૂમિની રક્ષા માટે બ્રિટીશ શાશનને પડકાર ફેંક્યો હતો.અંગ્રેજો ત્યારથી સમજી ગયા હતા કે ભારતની સાંસ્કૃતિક એકતા અને પ્રખર રાષ્ટ્રવાદને લીધે તેના પર સીધી રીતે વિજય મેળવવો અસંભવ છે. તેથી અંગ્રેજોએ તેની નીતિઓ બદલી ભારતની સાંસ્કૃતિક એકતાને ખંડિત કરવાના રસ્તાઓ અપનાવ્યા. બ્રિટીશનીતિઓનો ધ્યાનથી અભ્યાસ કરીએ તો ખ્યાલ આવે કે હિન્દુત્વની સીમિત વ્યાખ્યા એ અંગ્રેજોની કુટનીતિની દેન છે. ભારતીય જનમાનસના ધર્મના આધારે ભાગલા પાડ્યા બાદ અંગ્રેજોએ ભારતની શિક્ષા પ્રણાલી અને અભ્યાસક્રમમાં પણ બહુ મોટા ફેરફારો કર્યા તેમજ પારંપારીક ભારતીય ભાષા,કળા-કૌશલ્ય,રીત રીવાજો,ખોરાક પદ્ધતિ તથા ઉદ્યોગોને પણ નાબુદ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા. ભારતીયોના મનોબળને દરેક રીતે તોડવાના પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ તેમાં તેમને સંપૂર્ણ સફળતા ક્યારેય મળી નહીં.

દમનકારી બ્રિટીશ શાશનની સામે ક્રાંતિકારી આંદોલન પણ સક્રિય થયું હતું પરંતુ તેમાં પણ કોઈ જ્ઞાતિ-જાતી કે ધર્મનો ભેદભાવ નહોતો.પરાધીન ભારતના જનમાનસમાં નવચેતનાનો સંચાર કરવા તેમજ રાષ્ટ્રીય પુર્નજાગરણ માટે રાજા રામમોહન રાય,સ્વામી વિવેકાનંદ,લોકમાન્ય તિલક,મહર્ષિ અરવિંદ જેવા મહાનુભાવોએ અથાગ પ્રયત્નો કર્યા.આ બધાનું લક્ષ્ય હતું માતૃભૂમિની સ્વતંત્રતા અને તેમનું રાષ્ટ્રગાન હતું વંદેમાતરમ. આ જ મંત્ર સાથે દેશના સૈંકડો યુવાનોએ સ્વરાજ્ય માટે પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું.

ભારતમાં સીમાઓના આધારે રાજનૈતિક રાષ્ટ્રીયતાનો વિચાર આઝાદી મળ્યા પછીનો છે.આઝાદી પહેલાં દેશમાં ૨૦૦ વર્ષ સુધી અંગ્રેજોનું શાશન રહ્યું પરંતુ આખા દેશ પર તેમનો રાજનૈતિક એકાધિકાર નહોતો.વિદેશનીતિ,સરંક્ષણ,મુદ્રા વગેરે જેવી બાબતો તેમની પાસે હતી પરંતુ શાશન તેમના સિવાય ૬૦૦ જેટલાં રજવાડાંઓ,જમીનદારો તથા ગીરાસદારો પાસે હતું. અલગ અલગ રાજ્યો હોવા છતાં આ તમામ શાશકોએ ભારતનો એક રાષ્ટ્ર તરીકે સ્વીકાર કર્યો.સીમાઓથી આ રાજ્યો અલગ હતા પરંતુ સંસ્કૃતિથી બધા એક હતા.જેને આપણે અખંડ ભારત તરીકે પણ ઓળખીએ છીએ.

રાષ્ટ્ર પ્રત્યે અપ્રતિમ સમર્પણ એ ભારતીય સંસ્કૃતિની અનોખી દેન છે.ભારતનું નિયમન તેની સંસ્કૃતિ કરે છે,રાજનીતિ ક્યારેય રાષ્ટ્રનો આધાર બની શકી નથી.રાષ્ટ્ર એક સાંસ્કૃતિક એકમ છે અને રાષ્ટ્રીયતા તેનો પ્રાણ છે. ભારતમાં શાશન વ્યવસ્થા હંમેશા સંસ્કૃતિના જતન માટેનું ઉપકરણ બની રહી છે.જયારે જયારે શાશનકર્તાઓએ સંસ્કૃતિ વિરોધી ભૂમિકા અપનાવી છે ત્યારે જનતાએ તે શાશનકર્તાઓને બદલવામાં જરાપણ વિલંબ નથી કર્યો.

સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ એ આપણી રાષ્ટ્રીયતાનો પાયો છે.વિવિધતામાં એકતા તેનો આધાર છે.અલગ ધર્મ,અલગ જ્ઞાતિ,અલગ પ્રાંત,અલગ ભાષા,અલગ ખોરાક હોવા છતાં આપણી એક સંસ્કૃતિ,એક વિચાર,એક મુલ્યો,એક માન્યતા,એક ભારત એ જ આપણો સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ છે.આઝાદીના સાડા સાત દશકા પછી આજે પણ આપણે આ ભાવના ટકાવી રાખવાની આવશ્યકતા છે કારણકે પોતાની સતાભૂખ સંતોષવા માટે કેટલાંક રાજકીયપક્ષો અંગ્રેજોની નીતિ અપનાવી આપણને પ્રાંતના નામે,ધર્મનાં નામે,જ્ઞાતિ-જાતીના નામે અલગ પાડી આપણાં સાંસ્કૃતિક વારસાને નષ્ટ કરી ફરીથી દેશ ને ટુકડાઓમાં વહેંચી રાજ કરવા માંગે છે.ત્યારે ફરીથી આપણાં દેશના ટુકડા ન થાય તે માટે આપણાં સાંસ્કૃતિક વારસાને યાદ કરી રાષ્ટ્રના પુનઃનિર્માણ માટે કાર્યરત રાષ્ટ્રવાદી શક્તિઓને સાથ આપી અખંડ ભારતના નિર્માણમાં સહયોગી બનીએ તે જ અભ્યર્થના. ભારત માતા કી જય વંદેમાતરમ.


શુક્રવાર, 10 એપ્રિલ, 2020

વિદેશમાં રહી ભારતની આઝાદી માટે અહલેક જગાવનાર સૌરાષ્ટ્રના વીર સપુત ક્રાંતિવીર સરદારસિંહ રાણા.


ગુજરાતના બે સરદારોએ દેશની આઝાદી માટે અતિ મહત્વનું યોગદાન આપ્યું હતું.એક સરદાર વલ્લભભાઈ પટેલ અને બીજા સરદારસિંહ રાણા.સરદાર વલ્લભભાઈ પટેલે ભારતમાં રહી અહિંસાના હથિયારથી અંગ્રેજોને હરાવી દેશનાં એકીકરણનું કાર્ય કર્યું. જ્યારે સરદારસિંહ રાણાએ વિદેશમાં રહી સશસ્ત્ર ક્રાંતિ દ્વારા અંગ્રજોને ડરાવી તેમનું મનોબળ તોડવાનું કાર્ય કર્યું હતું.

સરદારસિંહ રાણાનો જન્મ ૧૦ એપ્રિલ ૧૮૭૦ના રોજ સુરેન્દ્રનગર જીલ્લાના કંથારિયા ગામે થયો હતો.કંથારિયાની સામાન્ય શાળામાં ભણ્યાં બાદ તેઓ રાજકોટની આલ્ફ્રેડ હાઇસ્કુલમાં ભણવા ગયા.જ્યાં ગાંધીજી તેમનાં સહપાઠી હતાં.ગાંધીજી તેમને ‘સદુભા’ કહીને સંબોધન કરતા હતા.સરદારસિંહ નાનપણથી જ ભણવામાં ખુબ હોંશિયાર હતા તેથી લીંબડી ઠાકોર જશવંતસિંહજીએ તેમને અભ્યાસ માટે ઘણી સહાય કરી હતી.રાજકોટમાં માધ્યમિક શિક્ષણ મેળવી તેઓ ઉચ્ચશિક્ષણ અર્થે મુંબઈની એલ્ફીસ્ટન કોલેજમાં અને ત્યારબાદ પુનાની ફર્ગ્યુસન કોલેજમાં ભણ્યાં હતાં.આ દરમિયાન તેઓનો સંપર્ક લોકમાન્ય ટીળક તથા સુરેન્દ્રનાથ બેનરજી સાથે થયો.ત્યારથી જ તેઓ દેશભક્તિના રંગે રંગાયા હતા.સરદારસિંહ રાણાના લગ્ન ભીંગડાના સોનલબા સાથે થયા હતા.તેમનાં બે પુત્રો હતા રણજીતસિંહ અને નટવરસિંહ.


સરદારસિંહને વધુ અભ્યાસ માટે લંડન જવું હતું પરંતુ આર્થિક સગવડતા નહોતી તેથી તેમણે તેમનાં માસીયાઈ ભાઈ અને લાઠીના રાજવી સુરસિંહ તખ્તસિંહ ગોહિલ (કવિ કલાપી)ને વાત કરી.કવિ કલાપી સાથે તેમને ભાઈ કરતા પણ વધારે મિત્રતાના સંબધો હતાં.વિદ્યાર્થીકાળથી જ તેમનાં વચ્ચે ઘનિષ્ઠ પત્ર વ્યવહાર થતો.કવિ કલાપી પોતાનાં મનની દરેક વાત સરદારસિંહને લખીને જણાવતાં.કવિ કલાપી તથા તેમનાં કહેવાથી લીંબડીના ઠાકોર તથા હડાળાના કાઠી દરબાર વાજસુર વાળાની આર્થીક મદદથી તેઓ લંડન પહોંચી ગયા અને બેરિસ્ટરની ડીગ્રી પ્રાપ્ત કરી.

લંડન અભ્યાસ દરમિયાન તેઓ હીરા-ઝવેરાતના ધંધામાં કમીશન એજન્ટ તરીકે કામ કરતા અને પોતાનો અભ્યાસનો ખર્ચ જાતે જ ઉપાડતા.લંડનમાં તેઓ કચ્છના માંડવીના વતની અને ક્રાંતિકારીઓના પ્રેરણાસ્ત્રોત એવા શ્રી શ્યામજી કૃષ્ણ વર્માના સંપર્કમાં આવ્યા. ત્યારબાદ મેડમ ભીખાઈજી કામા અને શ્યામજી કૃષ્ણ વર્મા સાથે મળીને તેઓએ લંડનમાં ‘ઇન્ડિયા હાઉસ’ ની સ્થાપના કરી હતી.આ ‘ઇન્ડિયા હાઉસ’ ભારતની સશસ્ત્ર ક્રાંતિકારી ચળવળનું મહત્વનું કેન્દ્ર બની ગયું હતી.

હીરા-ઝવેરાતના તેમનાં કામકાજને લીધે બેરિસ્ટર બન્યાં પછી સરદારસિંહ રાણા લંડનમાં આર્થિક રીતે પણ ઘણાં સમૃદ્ધ બન્યાં હતા.તેથી અત્યાર સુધી બીજાની મદદથી ભણેલાં સરદારસિંહે સમાજનું અને દેશનું ઋણ અદા કરવા પોતાના રૂપિયાથી સ્કોલરશીપ આપવાનું ચાલુ કર્યું હતું.તેમણે ‘મહારાણા પ્રતાપ’ તથા ’શિવાજી મહારાજ’ નામથી બે-બે હજાર રૂપિયાની ત્રણ સ્કોલરશીપ યોજના ચાલુ કરી હતી.આ યોજના હેઠળ ઘણાં ભારતીય છાત્રોએ ત્યાં શિક્ષણ મેળવ્યું હતું.તેમાં વિનાયક દામોદરરાવ સાવરકર(વીર સાવરકર) પણ સામેલ હતા.

શ્યામજી કૃષ્ણ વર્મા,સરદારસિંહ રાણા તથા મેડમ ભીખાઈજી કામાના નેતૃત્વમાં મદનલાલ ઢીંગરા,વીર સાવરકર,સેનાપતિ બાપટ, વિરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય જેવાં ક્રાંતિકારીઓની ગુપ્ત બેઠકો તેમનાં લંડન સ્થિત ‘ઇન્ડિયા હાઉસ’માં થતી.આ બેઠકમાં અંગ્રેજ સરકારને ઢંઢોળવા માટે ભારતના ઘોરવિરોધી એવાં લંડનના કર્ઝન વાયલીને ગોળીએ વીંધવાની યોજના સાવરકરજીએ તૈયાર કરી.આ કામ પાર પાડવાનું બીડું મદનલાલ ઢીંગરાએ ઝડપ્યું અને સરદારસિંહ રાણાએ તેને પિસ્તોલ લાવી આપી હતી.કર્ઝન વાયલીની હત્યા બાદ મદનલાલ ઢીંગરાને ફાંસીએ ચડાવી દેવામાં આવ્યાં,સાવરકરની પણ ધરપકડ થઇ. પરંતુ સરદારસિંહ ત્યાંથી ભાગી જવામાં સફળ રહ્યાં.

તેઓ ફ્રાંસના પેરિસમાં જઈને રહેવા લાગ્યા.આ ઘટના બાદ અંગ્રેજોએ તેમને દેશનિકાલ જાહેર કરી તેમની કંથારિયા ખાતેની જમીન પણ જપ્ત કરી લીધી હતી અને તેમનાં ભારત પ્રવેશ પર અંગ્રેજોએ કાયમી પ્રતીબંધ લગાવી દીધો હતો.તેથી તેમનાં પત્ની સોનબાએ તેમને પત્ર દ્વારા સંદેશો મોકલાવ્યો કે તેમણે ત્યાં બીજાં લગ્ન કરી લેવા જોઈએ જેથી બાકીનું જીવન જીવવામાં સરળતા રહે.ત્યારબાદ સરદારસિંહે જર્મન મહિલા રેસી સાથે લગ્ન પણ કર્યા હતા.

ભારતનો સૌ પ્રથમ રાષ્ટ્રધ્વજ જર્મનીમાં સરદારસિંહ રાણા તથા મેડમ ભીખાઈજી કામાએ ફરકાવ્યો હતો.૧૯૦૭માં જર્મનીના સ્ટુટગાર્ડ શહેરમાં યોજાનાર ઇન્ટરનેશનલ સોશિયલીસ્ટ કોન્ફરન્સમાં ભાગ લેનાર દરેકે પોતાના દેશનો ધ્વજ લઇને હાજર રહેવાનું હતું.ભારતમાં તો અંગ્રેજોનું શાસન હતું તેથી ભારતનો કોઈ ધ્વજ નહોતો.તેથી સરદારસિંહ રાણા અને મેડમ ભીખાઈજી કામાએ ભારતનો ધ્વજ બનાવ્યો અને સૌ પ્રથમ વખત વિશ્વ ફલક પર ૨૨ ઓગષ્ટ ૧૯૦૭ના રોજ આ કોન્ફરન્સમાં ભારતનો ધ્વજ ફરકાવ્યો અને અંગ્રેજોના દમનકારી શાસન વિષે પ્રવચન આપ્યું હતું.

બનારસ હિંદુ યુનીવર્સીટીની સ્થાપના માટે દાન એકઠું કરવા માટે મદનમોહન માલવિયાજી પેરીસ ગયા ત્યારે સરદારસિંહે ૨૮ લાખ જેટલી મોટી રકમ એકત્રિત કરી આપી હતી.જેમાં ૫ લાખ રૂપિયાનું યોગદાન તેમનું પોતાનું હતું.

અંગ્રેજી,ફ્રેંચ તથા જર્મન ભાષાનાં જાણકાર એવાં સરદારસિંહ રાણા લડાયક મિજાજ અને પ્રગાઢ બુદ્ધિચાતુર્ય ધરાવતાં ક્રાંતિવીર હતાં.ભારતની આઝાદીની ચળવળમાં બોમ્બ અને પિસ્તોલના યુગની શરૂઆત તેમણે કરાવી હતી.સેનાપતિ બાપટ અને ઇન્દુલાલ યાજ્ઞિકને બોમ્બ બનવવાની તાલીમ માટે તેમણે રશિયા મોકલ્યા હતા.

વીર સાવરકરના ઐતિહાસિક પુસ્તક ‘વોર ઓફ ઈન્ડીપેન્ડન્સ – ૧૮૫૭’ને છપાવવાનું તથા તેને ચોરીછુપીથી ભારત પહોચાડવાનું કાર્ય પણ સરદારસિંહે પાર પાડ્યું હતું.લાલા લાજપતરાય સરદારર્સીહના પેરીસ ખાતેના નિવાસસ્થાને પાંચ વર્ષ રોકાયા હતા અને તે દરમિયાન જ લાલા લજપતરાયે ‘અનહેપ્પી ઇન્ડિયા’ નામનું પુસ્તક લખ્યું હતું.રવીન્દ્રનાથ ટાગોરના શાંતિનિકેતનની સ્થાપનામાં પણ સરદારસિંહનું અમુલ્ય યોગદાન હતું.

અંગ્રેજોની કેદમાંથી છુટવા વીર સાવરકરે ફ્રાંસના માર્સેલ્સ બંદર નજીક સ્ટીમરમાંથી દરિયામાં છલાંગ લગાવી હતી ત્યારે અંગેજોએ ફરી તેની ફ્રાંસમાંથી ધરપકડ કરી હતી.વીર સાવરકરને છોડાવવા માટે સરદારસિંહ ત્યાંની આંતરરાષ્ટ્રીય અદાલતમાં કેસ લડ્યાં હતાં.

સુભાષચંદ્ર બોઝના જર્મની ખાતેના નિવાસ દરમિયાન તેમનાં જર્મન રેડિયો પરનાં ઐતિહાસિક રેડિયો પ્રવચન તથા સુભાષબાબુની હિટલર સાથેની મુલાકાત ગોઠવવામાં પણ સરદારસિંહ રાણાની મુખ્યભૂમિકા હતી.

૧૯૫૫માં સરદારસિંહ રાણા પેરીસથી ભારત પરત આવ્યાં અને ૨૫મી મેં,૧૯૫૭માં સૌરાષ્ટ્રના વેરાવળ ખાતેના સરકીટ હાઉસમાં હ્રદયરોગના હુમલાથી તેમનું નિધન થયું.સરદારસિંહ રાણાના જીવન વિષે ફોટોગ્રાફ સાથેની વધુ વિગતવાર માહિતી મેળવવા માટે વિઝીટ કરો www.sardarsinhrana.com



સોમવાર, 6 એપ્રિલ, 2020

૬ એપ્રિલ, ભાજપાનો સ્થાપના દિવસ : ૨ થી ૩૦૩ બેઠકો સુધીની ભાજપાની વિકાસયાત્રાની એક ઝલક


૨૦૧૯ લોકસભાની ચૂંટણીના પરિણામોએ ભારતની રાજનીતિમાં નવો ઈતિહાસ રચ્યો હતો. કોઈ બિનકોંગ્રેસી સરકાર સતત બીજી વખત પૂર્ણ બહુમતી સાથે સત્તામાં આવી હોય તેવું દેશના રાજકીય ઇતિહાસમાં આ પ્રથમ વખત બન્યું હતું.૨૦૧૯માં ભારતીય જનતા પાર્ટીને મળેલું પ્રચંડ જનસમર્થન એ વાતની સાબિતી છે કે દેશની જનતાને ભાજપા પર પૂર્ણ ભરોસો છે.

૨૧ ઓક્ટોબર ૧૯૫૧ના રોજ ડો.શ્યામાપ્રસાદ મુખરજીના નેતૃત્વમાં અખીલ ભારતીય જનસંઘનામથી રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતા રાજકીય પક્ષની રચના થયેલી.દેશભરમાં જનસંઘ એક મજબુત વિપક્ષ તરીકે ઉભરી રહ્યો હતો.૨૬ જુન ૧૯૭૫ના રોજ ઇન્દિરા ગાંધીએ પોતાની સતા ટકાવવા દેશમાં કટોકટી લાદી દીધી હતી.કટોકટીના ૨૧ મહિના બાદ ૧૯૭૭માં સામાન્ય ચૂંટણીની ઘોષણા થઇ ત્યારે ઇન્દિરા ગાંધીની તાનાશાહી અને અત્યાચારોથી દેશને મુક્ત કરાવવા માટે દેશના તમામ વિરોધીદળોએ એકજુથ થઇ લડવાનું નક્કી કર્યું અને જનતા મોરચાની રચના કરી.દેશહિત માટે ભારતીય જનસંઘે પણ જનતા મોરચામાં વિલીન થવાનો નિર્ણય લીધો.

૧૯૭૭ની લોકસભા ચૂંટણીમાં જનતા મોરચાનો ૩૪૫ બેઠકો પર વિજય થયો. જેમાં જનસંઘના ૯૪ ઉમેદવારો વિજયી થયાં હતા.મોરારજીભાઈ દેસાઈના નેતૃત્વમાં સરકાર બની.જેમાં અટલબિહારી બાજપાઈને વિદેશમંત્રી તથા લાલકૃષ્ણ અડવાણીને સુચના-પ્રસારણમંત્રીનો કાર્યભાર સોંપવામાં આવ્યો હતો.આ દરમિયાન ૧૯૭૯માં જનતા મોરચાના ચૌધરી ચરણસિંહ,રાજનારાયણ અને જગજીવનરામે જનસંઘના નેતાઓ કે જેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પણ સ્વયંસેવક હતા તે બાબતનો વિરોધ કરી બેવડી સદસ્યતાનો મુદ્દો ઉઠાવી જો સરકારમાં રહેવું હોય તો સંઘની સદસ્યતા છોડવી પડશે તેવી જાહેરાત કરી.જનસંઘના નેતાઓએ આ માંગણી ઠુકરાવી રાષ્ટ્રવાદી વિચારધારાને પ્રાધાન્ય આપી જનતા મોરચાની સરકારમાંથી રાજીનામું આપ્યું અને સત્તાનો ત્યાગ કર્યો.

૬ એપ્રિલ ૧૯૮૦ના રોજ અટલબિહારી બાજપાઈની અધ્યક્ષતામાં ભારતીય જનતા પાર્ટીની રચના થઇ અને ચૂંટણી ચિન્હ તરીકે કમળનું નિશાન નક્કી થયું.મુંબઈના પ્રથમ અધિવેશનના ઐતિહાસિક ભાષણમાં અટલજીએ કહ્યું હતું કે,’અંધેરા છટેગા,સુરજ નિકલેગા ઔર કમલ ખીલેગા’.

૧૯૮૪માં ભાજપાએ પ્રથમ વખત લોકસભા ચૂંટણીમાં ભાગ લીધો અને ૨ બેઠકો પર વિજય પ્રાપ્ત કર્યો હતો.જેમાં ગુજરાતની મહેસાણા બેઠક પરથી એ.કે.પટેલ અને આંધ્રપ્રદેશની હનામકોડા બેઠક પરથી ચંદુપાટિયા રેડ્ડી ચૂંટાયા હતા.ત્યારે કોંગ્રેસ દ્વારા કુંટુબ નિયોજનના નારા – ‘હમ દો-હમારે દોનો ઉલ્લેખ કરી સાંસદમાં ભાજપાની મજાક ઉડાડી હતી.પાંચ વર્ષ પછી ૧૯૮૯ની ચૂંટણીમાં ભાજપાનો ૮૬ બેઠકો પર વિજય થયો હતો,૧૯૯૧માં ફરીથી ચૂંટણીઓ આવી તેમાં ભાજપાની બેઠકો વધીને ૧૨૦ સુધી પહોંચી ગઈ.

૧૯૯૦માં લાલકૃષ્ણ અડવાણીના નેતૃત્વમાં રામમંદિરના સમર્થનમાં સોમનાથથી અયોધ્યા અને મુરલીમનોહર જોશીના નેતૃત્વમાં કન્યાકુમારીથી કાશ્મીર સુધીની એક્તાયાત્રા કાઢી હતી.જેનાં આયોજનની સંપૂર્ણ જવાબદારી નરેન્દ્રભાઈ મોદીએ સાંભળી હતી અને પોતાના જીવના જોખમે કાશ્મીરના લાલચોકમાં તિરંગો ફરકાવી આતંકવાદીઓને લલકાર્યા હતા.

૧૯૯૬માં પ્રથમ વખત ભાજપાને અટલબિહારી બાજપાઈના નેતૃત્વમાં કેન્દ્રમાં સરકાર બનાવવાનો મોકો મળ્યો પરંતુ બહુમત સિદ્ધ ના થવાને લીધે ફક્ત ૧૩ જ દિવસમાં રાજીનામું આપવું પડ્યું હતું.ત્યારબાદ ૧૯૯૮માં ફરીથી ચૂંટણીઓ થઇ ત્યારે પણ અટલજીના નેતૃત્વમાં ભાજપા સરકાર બની પરંતુ બહુમત ના હોવાને કારણે ૧૩ મહિનામાં સરકાર તૂટી ગઈ.૧૯૯૯માં ભાજપાની આગેવાનીમાં એનડીએ(નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ)ને પૂર્ણ બહુમતી મળી અને પુનઃ એકવાર અટલજી પ્રધાનમંત્રી બન્યા.તેમનાં શાસનમાં પોખરણ પરમાણું પરીક્ષણ થયું અને પાકિસ્તાન સામે કારગીલનું યુદ્ધ પણ જીત્યું હતું.૨૦૦૪થી ૨૦૧૪ સુધી ફરી કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર સતામાં આવી.

આ દરમિયાન ગુજરાતમાં એક કરિશ્માયુક્ત ઓજસ્વી જનનેતાનો ઉદય થઇ ચુક્યો હતો.ગુજરાતમાં ૧૯૯૫થી ભાજપાની સરકાર હતી.૨૦૦૧માં કેશુભાઈ પછી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા.તેમની પ્રશાસકીય સુઝબુઝ,પ્રમાણિક શાસન વ્યવસ્થા અને વિકાસની રાજનીતિએ દેશભરનાં લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.તેમનાં શાસનકાળમાં ગુજરાતે વિકાસની હરણફાળ ભરી હતી.૨૦૧૪ આવતાં સુધીમાં તો તેમની લોકચાહના દેશભરમાં ફેલાઈ ચુકી હતી અને દેશના લોકો તેને પ્રધાનમંત્રીના ચહેરા તરીકે જોવા લાગ્યા હતા.કોંગ્રેસના છેલ્લાં દસ વર્ષના ભ્રષ્ટાચારી શાસન સામે જનતા ઈમાનદાર અને રાષ્ટ્રપ્રેમી શાસક તરીકે નરેન્દ્રભાઈ મોદીને સ્વીકારી ચુકી હતી.

શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપાએ એકલે હાથે ૨૮૨ બેઠકો પર વિજય પ્રાપ્ત કરી પૂર્ણ બહુમતવાળી સરકાર બનાવી.

૧૯૮૦થી લઇ આજસુધીમાં ૧૧ કરોડ સદસ્યો સાથે ભાજપા દુનિયાની સૌથી મોટી પાર્ટી બની ગઈ છે.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી આજે વૈશ્વિક નેતા તરીકે ઉભરી આવ્યા છે.સૌના સાથ સૌના વિકાસની નીતિ સાથે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઈના નેતૃત્વમાં આ સમય દરમિયાન સરકાર અને સંગઠન એમ બંને મોરચે ભાજપાએ વિકાસના નવા વિક્રમો સ્થાપિત કર્યા અને દેશનાં ૧૭ જેટલાં રાજ્યોમાં ભાજપાની સરકાર બનાવી દેશનાં ૬૦ટકા ભૂભાગ પર ભાજપાનો ભગવો લહેરાવ્યો.

આ પાંચ વર્ષના સમયગાળામાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશનાં સર્વાંગીણ વિકાસ માટે મહત્વના નિર્ણયો લીધા,પ્રમાણિક શાસન આપ્યું અને દેશના છેવાડાના માનવીને પણ લાગ્યું કે આ સરકાર મારા માટે કામ કરે છે.જનધન એકાઉન્ટ,ઉજ્જવલા યોજના,મુદ્રા યોજના જેવી અનેકવિધ યોજનાઓ દ્વારા ગરીબો અને મધ્યમવર્ગના લોકો માટે ઉન્નતિના દ્વાર ખોલ્યાં.જેનાં પરિણામે ૨૦૧૯ની ચુંટણીઓમાં પણ ૩૦૩ બેઠકો સાથે ફરી એકવાર દેશમાં ભાજપાની પૂર્ણ બહુમતવાળી સરકાર બની.

૧૯૮૦ થી ૨૦૧૯ સુધીની ભાજપાની આ વિકાસયાત્રામાં કરોડો કાર્યકર્તાઓનો પુરુષાર્થ મહત્વનો રહ્યો છે.ભાજપાના કાર્યકરો વ્યક્તિ સે બડા દલ ઔર દલ સે બડા દેશના મંત્ર સાથે ભારત માતાને પરમવૈભવના શિખર પર પુનઃ આરૂઢ કરવા માટે પોતાનું સર્વસ્વ બલિદાન કરવા માટે પ્રતિબદ્ધ હોય છે.વિશ્વની કોઈપણ રાજકીય પાર્ટી પાસે આવા કરોડો સમર્પિત કાર્યકર્તાઓની ફૌજ નથી.

રાષ્ટ્રપ્રથમની વિચારધારા,મજબુત,પ્રમાણિક અને કુશળ નેતૃત્વ અને નિષ્ઠાવાન કાર્યકર્તાઓની ફૌજ એ જ ભાજપાની સફળતાનું રહસ્ય છે.