કેન્દ્રીય બજેટ ૨૦૧૭-૧૮ : સર્વ સમાવેશક,સંતુલિત
વિકાસલક્ષી,લક્ષ્યવેધી બજેટ
ભારતના નાંણાપ્રધાન શ્રી અરુણ જેટલી દ્વારા ગત
૧લી ફેબ્રુઆરીના રજુ કરવામાં આવેલ દેશનું ૨૦૧૭-૧૮ નાં વર્ષ માટેનું સામાન્ય બજેટ વાસ્તવમાં
અસામાન્ય બજેટ સાબિત થયું એમ કહીએ તો ખોટું નહી.કારણકે નાણામંત્રી સામે આ વખતે
અસંખ્ય ઘરેલું અને વૈશ્વિક પડકારો હતા જેમકે ડીમોનીટાઈઝેશન પછીનું પ્રથમ
બજેટ,બ્રીટનનું યુરોપિયન યુનિયનમાંથી છુટા પડવાની ઘટના – બ્રેક્ઝીટ,ક્રુડ ઓઈલનાં
વધતા ભાવ,અમેરિકામાં નવી સરકાર,વૈશ્વિક માંગમાં ઘટાડો વગેરે જેવા પડકારો વચ્ચે નાણાંપ્રધાન
દેશનાં અર્થતંત્રને ઉની આંચ પણ નાં આવે અને ભારતનો આર્થીક વિકાસ તેજ ગતિએ આગળ વધે
તે પ્રકારનું સર્વ સમાવેશક,સંતુલિત વિકાસલક્ષી,લક્ષ્યવેધી બજેટ આપવામાં સફળ રહ્યાં
છે.આમપણ, આ વખતનું બજેટ ઐતિહાસિક બજેટ કહેવાશે કારણકે દર વર્ષે ફેબ્રુઆરીના
છેલ્લાં દિવસે રજુ થતું બજેટ આ વખતે સૌ પ્રથમ વખત પહેલી ફેબ્રુઆરીએ રજુ થયું
છે.જેથી માર્ચની આખર સુધીમાં નાણા ખરડાને મંજુરી મળી જાય અને નવાં નાણાંકીય વર્ષથી
તમામ વિકાસ યોજનાઓનો સુપેરે અમલ શરુ થઇ શકે તેમજ ફાળવાયેલી રકમ પણ પુરા એક વર્ષ
વાપરી શકાય.સાથે સાથે અલગ રેલ્વે બજેટનો પણ આ વખતથી અંત આવ્યો છે.સામાન્ય બજેટની
સાથેજ રેલ્વે બજેટ રજુ થતાં ભાડાં વધારો અને ફક્ત રાજકીય લાભ ખાતર થતી નવી ટ્રેનોની
લોભામણી જાહેરાતોનો પણ અંત આવ્યો છે.બજેટમાં મધ્યમ વર્ગને આવકવેરામાં રાહત,રીયલ
એસ્ટેટ અને એફોર્ડેબલ હાઉસિંગ ક્ષેત્ર માટે રાહતો,ગ્રામ્ય વિસ્તારોમાં વધુ
ખર્ચ,માર્ગ અને સસ્તાં મકાનોના નિર્માણ,લઘુ અને મધ્યમ કદનાં ઉદ્યોગોને ઇન્કમટેક્ષ
માં રાહત તેમજ ખેતીક્ષેત્ર,ગ્રામ્ય યોજનાઓ અને સામાજીક ક્ષેત્રો ને વધુ ફાળવણી
જેવા પગલાઓને લીધે લોકોની ખરીદશક્તિ વધશે અને અર્થતંત્રમાં નવાં પ્રાણ ફૂંકાશે.સરકાર
વહીવટી ખર્ચાઓમાં કાપ મૂકી રાજકોષીય ખાધના ૩ ટકાના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે
કટિબદ્ધ છે જેની બોન્ડ માર્કેટ પર સારી અસર થશે તેમજ વૈશ્વિક મૂડી રોકાણો વધુ
આકર્ષી શકાશે.
બજેટ ઉડતી નજરે
- · ૨.૫ લાખથી ૫ લાખ સુધીની આવક પર ૧૦ ટકાને બદલે ૫ ટકા ઇન્કમટેક્ષ લાગશે.
- · ૫૦ લાખથી એક કરોડ રૂપિયાની વાર્ષિક આવક પર ૧૦ ટકા સરચાર્જ.
- · એક સાથે રૂપિયા ત્રણ લાખથી વધુના ટ્રાન્ઝેક્શન પર પ્રતિબંધ.
- · ૫૦ કરોડ સુધીનું વાર્ષિક ટનઓવર ધરાવતી કંપનીઓએ ૩૦ ટકાને બદલે હવે ૨૫ ટકા જ કોર્પોરેટ ટેક્ષ ચૂકવવો પડશે.દેશની ૯૦ ટકા કંપનીઓને સીધો ફાયદો.
- · એલ.એન.જી. પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને ૨.૫ ટકા કરાઈ.
- · રાજકીય પક્ષો રોકડેથી ૨૦૦૦ રૂપિયાથી વધુનું ફંડ નહી લઇ શકે.
- · એફ.આઈ.પી.બી. ને રદ કરવામાં આવશે અને એફ.ડી.આઈ. પોલિસી વધુ અનુકુળ બનાવવામાં આવશે.
- · વેપારીઓને કેશલેસ ટ્રાન્ઝેક્શન તરફ વાળવા માટે પ્રોત્સાહક યોજનાઓ.
- · આધાર કાર્ડથી પેમેન્ટ કરવા માટે નવાં ૨૦ લાખ મશીનો મુકાશે.
- · ધાર્મિક યાત્રાઓ માટે નવી ટ્રેનો.
- · વરિષ્ઠ નાગરિકો માટે ૮ ટકાનાં ગેરેન્ટેડ વ્યાજ સાથે એલ.આઈ.સી. દ્વ્રારા નવી યોજના.
- · રેલ્વેનાં વિકાસ માટે ૧.૩૨ લાખ કરોડની ફાળવણી.
- · ૩૫૦૦ કી.મી. ની નવી રેલ્વે લાઈનો નાંખવામાં આવશે.
- · રેલ્વેની ઈ ટીકીટ પર સર્વીસ ચાર્જ નહી.
- · મેડીકલ પીજી નાં કોર્સમાં ૫૦૦૦ બેઠકોનો વધારો.
- · સ્કીલ ઇન્ડિયા માટે ૧૦૦૦ કૌશલ્ય વર્ધન કેન્દ્રો.
- · પાકવીમા માટે ૯ હજાર કરોડની ફાળવણી.
- · પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૨૦૧૯ સુધીમાં એક કરોડ નવાં મકાનોનું નિર્માણ.
- · દેશનાં દરેક ગામડાનું ૧ લી મે ૨૦૧૯ સુધીમાં ૧૦૦ ટકા વીજળીકરણ.
- · ૨૦૧૭-૧૮ માં ૪.૧ ટકાનો કૃષિ વિકાસદર હાંસલ કરવાનું લક્ષ્ય.
- · ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો