દેશ બદલ રહા હૈ, વિપક્ષો કંઇ ઉકાળી શકવા સક્ષમ નથી,ઓમર અબ્દુલાએ પણ ર૦ર૪ ની તૈયારી કરવા સુચવ્યુ,
નેતાગીરીની નિષ્ક્રિયતા અને અમલદારોની જડતાને મોદીએ ગાયબ કરી કાળાનાણા-ભ્રષ્ટાચાર સામે અભિયાન છેડયું: દેશભરમાં જનસુખાકારીના પગલાને જબર સમર્થન
તાજેતરમાં જ દેશના પાંચ રાજયોની વિધાનસભાની ચૂંટણીઓના પરિણામો આવ્યા આ ચૂંટણીના પરિણામો બાદ કાશ્મીરના પૂર્વમુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ટવીટ કરીને જણાવ્યું કે ''દેશના તમામ વિપક્ષોએ હવે ર૦ર૪ ની તૈયારી કરવી જોઇએ, ર૦૧૯માં વિપક્ષો ખાસ કંઇ કરી શકે તેમ નથી'' ઓમર અબ્દુલ્લાએ દેશની જનતાનો મુડ અને દેશની વર્તમાન રાજકીય પરિસ્થિતિનો સ્વીકાર આ ટવીટ દ્વારા કર્યો છે.
ઓમર અબ્દુલ્લાની આ વાત દેશનો વિરોધ પક્ષ મનમાં તો સમજે જ છે પરંતુ જાહેરમાં સ્વીકારતા મુંજાય રહ્યો છે. જે બહુ સ્વાભાવિક છે. ર૦ર૪ તો હજુ દુર છે પરંતુ ર૦૧૯ માટે તો ચોકકસ કહી શકાય કે ર૦૧૪ અને ર૦૧૭ કરતા પણ વધારે ભવ્ય જીત સાથે મોદી લહેર વિપક્ષોના સુપડા સાફ કરી નાખશે. નરેન્દ્રભાઇના કે ભાજપના વિરોધીઓ-આલોચકો પણ એ વાતથી ઇન્કાર ના કરી શકે કે મોદી સરકારે અમલદારશાહિ તેમજ સમગ્ર શાસન વ્યવસ્થામાં આમુલ પરીવર્તનો કર્યા છે સત્તા સંભાળ્યા બાદ શ્રી મોદીજીએ અનુભવ્યું કે સતા પર બેઠેલા નેતાઓની નિષ્ક્રીયતા અને અમલદારશાહીની જડતા આ બંને વસ્તુ દેશના વિકાસ માટે અવરોધક છે. ત્યારબાદ વડાપ્રધાને નિશ્ચિત લક્ષ્ય સાથેની યોજનાઓનો આરંભ કર્યો તેમજ મંત્રીમંડળને પણ કામોના ટારગેટ આપ્યા અને તમામ મંત્રીઓએ નિયમિત સમયાવિધ પર તેમના કાર્યોનું રીપોર્ટકાર્ડ ફરજીયાત રજુ કરવુ તેવી પ્રથા ચાલુ કરી સરકારી અમલદારોની પણ દરેક યોજનાઓ માટે જવાબદારી સુનિશ્ચિત કરી અને તેમને સોંપેલા કાર્યોનું નિયમિત રીતે મુલ્યાંકન કરવાની વ્યવસ્થા બનાવી રાજયો સાથે પણ દર મહિને નિયમિત સમીક્ષા બેઠકો મળે અને કેન્દ્ર સરકાર અને રાજય સરકારોની યોજનાઓની વાસ્તવિક સ્થિતિ જાણવાનું શરૂ કર્યું મોદીની આ પ્રકારની કાર્યશૈલીને લીધે તેઓને દેશની વાસ્તવિક સ્થિતિનો ઝડપથી અંદાજો આવ્યો અને તેના ઉપાય રૂપે પ્રધાન મંત્રીએ ફકત અઢિ પોણાત્રણ વર્ષના ગાળામાં નવીનતમ પાયાની જરૂરીયાતોનો ઉકેલ લાવતી સંખ્યાબંધ યોજનાઓ શરૂ કરી અને તેના સુચારૂ અમલીકરણ દ્વારા દેશમાં હકારાત્મક પરિવર્તનો મળવાના ચાલુ થઇ ગયા.
ર૦૧૪ ની સાલ સુધી કેન્દ્ર સરકારનો ભ્રષ્ટાચાર એ દેશમાં બહુ મોટો મુદ્દદો હતો ત્યારબાદ મોદી સરકારના શાસનમાં વિપક્ષોએ અનેક કુટિલ પ્રયાસો કર્યા છતા તેઓ મોદી સરકાર સામે ભ્રષ્ટાચારના કોઇ ઠોસ મુદ્દદાઓ શોધી શકયા નહિ વડાપ્રધાનશ્રીના નોટબંધીના નિર્ણય સામે પણ કોંગ્રેસ, મમતા, માયાવતી, કેજરીવાલ વગેરેએ દેશભરમાં કાગરોળ મચાવી પરંતુ તેઓ નોટબંધીના વિરોધ માટેનું કોઇ પ્રબળ કારણ શોધી શકયા નહિ કે જનતાનું સમર્થન પણ મેળવી શકયા નહિ. ઉલ્ટાનું ઉતરપ્રદેશ સહિત તમામ ચૂંટણીઓના પરિણામોએ તો નોટબંધી પર જનતાના સમર્થનની મહોર લગાવી દીધી. જનતાએ નોટબંધીને કાળાનાણા અને ભ્રષ્ટાચાર વિરૂધ્ધના મહાઅભિયાન તરીકે સ્વીકારી હતી. લોકો અસુવિધા ભોગવીને બેંકોની લાઇનમાં ઉભા રહેતા હોવા છતા આખા દેશમાં નોટબંધી વિરૂધ્ધ કોઇ મોટુ આંદોલન કે વિરોધ પ્રદર્શન થયુ નહિ તેનાથી એક વાત તો સ્પષ્ટ હતી કે જનતા કાળાનાણા અને ભ્રષ્ટાચારની વિરૂધ્ધની લડાઇમાં મોદી સરકાર સાથે છે પરંતુ વિપક્ષો આટલુ પણ સમજી શકયા નહિ. કોંગ્રેસના છેલ્લા દસ વર્ષના શાસનમાં દેશની જનતાને સરકાર પરથી ભરોસો ઉઠી ગયો હતો અને આજે તે જ જનતા વડાપ્રધાનશ્રીના એકજ આહવાનથી પોતાની ગેસ સબસીડી સ્વેચ્છાએ છોડી રહી છે. પહેલા સરકાર પાસેથી વધુ લાભો મેળવવા કાગારોળ કરતી જનતા આજે દેશ માટે પોતાને મળતા લાભો પણ સ્વેચ્છાએ છોડવા તૈયાર થઇ જાય છે. ભારતીય લોકતંત્રની આ એક બહુ મહત્વની ઘટનાઓમાંની એક ઘટના કહી શકાય. દેશની જનતાના સરકાર પ્રત્યેના વિશ્વાસને પુનઃ સ્થાપિત કરવાનુ ભગીરથ કાર્ય મોદી સરકારે બહુજ ટુંકા ગાળામાં કર્યુ જે કોઇપણ લોકતંત્રની સમૃધ્ધિ અને વિકાસ માટે બહુ આવશ્યક છે.
પ્રધાનમંત્રીએ દેશના ગરીબ અને નીમ્ન મધ્યમવર્ગનો દેશના આર્થિક માળખામાં સમાવેશ થાય તેવા શુભહેતુથી જનધન યોજના દ્વારા તેઓના બેંક ખાતા ઝીરો બેલેન્સથી ખોલવાનું ભગીરથ કાર્ય શરૂ કર્યું અને જોતજોતામાં જનધન યોજના હેઠળ અંદાજે રપ કરોડ જેટલા બેંક એકાઉન્ટ ખુલ્યા અને તેમાં હજારો કરોડ રૂપિયા બચત રૂપે જમા પણ થયા હવે, ગરીબોના આ તમામ બેંક ખાતાઓને આધારકાર્ડ સાથે જોડી સરકાર દ્વારા ડાયરેકટ બેનીફીટ ટ્રાન્સફર (ડીબીટ) યોજના શરૂ કરવામાં આવી જે અંતર્ગત સરકાર તરફથી વિવિધ યોજનાઓમાં મળતી સહાયની રકમ સીધી જ લાભાર્થીના બેંક એકાઉન્ટમાં જ જમા થશે.જેથી 'વચેટીયા વેરો' એક જ ઝાટકે સંપૂર્ણ નાબુદ થઇ ગયો. આજે મનરેગા જેવી લગભગ ૭૪ યોજનાઓમાં હજારો કરોડની રકમ ગરબીના બેંક એકાઉન્ટમાં સીધીજ જમા થઇ રહી છે આ ડાયરેકટ બેનીફીટ ટ્રાન્સફર યોજનાને ર૦૧૭ ના અંત સુધીમાં બીજી ૧૪૪ જેટલી યોજનાઓમાં લાગુ કરવાનું લક્ષ્ય છે. સરકાર માટે ગાંવ, ગરીબ, કીસાન, મજુર, યુવા તેમજ મહિલા એ પ્રાથમિકતા છે જે મોદી સરકારની વિવિધ યોજનાઓ અને નીતિ વિષયક બાબતોમાં ઝડપી પરીવર્તન તેમજ ત્વરિત નિર્ણયો પરથી સ્પષ્ટ જણાય આવે છે.
પ્રધાન મંત્રી ફસલ વીમા યોજના કુદરતી આપતીઓ સામે ખેડૂતોને ખાતરી પૂર્વકનું સંરક્ષણ આપે છે. આઝાદી પછીનાં આટલા વર્ષોમાં ખુબ જ ઓછાં પ્રીમીયમમાં સૌથી વધુ વળતર આપતી ખેડૂતો માટેની આ પ્રથમ સરાહનીય યોજના છે. દેશનાં ઓછામાં ઓછા પ૦ ટકા ખેડૂતો સુધી આ યોજનાનો લાભ આવતા બે વર્ષમાં પહોંચે તેવું સરકારનું લક્ષ્ય છે. આઝાદી પછીનાં આટલાં વર્ષેા બાદ પણ દેશનાં ૧૮૦૦૦ ગામડાઓમાં વિજળી પહોંચી નહોતી. આજે મોદી સરકારનાં ફકત પોણા ત્રણ વર્ષનાં શાસનમાં ૧૮૦૦૦ માંથી ૧૩૦૦૦ ગામડાઓમાં વિજળી પહોંચાડી દેવામાં આવી છે અને આવતાં એક વર્ષમાં બાકીનાં બધા ગામડાઓમાં વિજળી પહોંચાડવાનું લક્ષ્ય છે. ઉદય યોજનાને પણ દેશનાં મોટાભાગનાં રાજયોએ સ્વીકારી છે જેનાથી આગામી દિવસોમાં સસ્તી વિજળીનો લાભ મળશે. તેવી જ રીતે, ઉજાલા યોજના દ્વારા મોદી સરકારે દેશભરમાં રર કરોડ જેટલાં સસ્તા એલઇડી બલ્બનું વિતરણ કર્યુ જેનાથી દર વર્ષે લગભગ ૧૧પ૩ર કરોડ રૂપિયાની બચત વિજળી ખર્ચમાં થશે. નીમ કોટેડ યુરિયા નીતિનો લાભ પણ દેશભરનાં ખેડૂતોને મળ્યો છે. યુવાનોને સ્વરોજગાર માટે સરકાર દ્વારા મુદ્રા યોજના જાહેર કરવામાં આવી જેના દ્વારા અંદાજે એક કરોડથી વધુ યુવાનોને રોજગારી ઉપલબ્ધ થઇ. દેશનાં ગરીબોને સસ્તા ભાવે દવા મળી રહે તે માટે દેશભરમાં પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. તાજેતરમાં સરકારે 'સ્વાસ્થ્ય નીતિ' જાહેર કરી જેનાં અંતર્ગત લોકોને નિઃશુલ્ક અથવા સસ્તા દરે ચીકિત્સા તથા સારવાર ઉપલબ્ધ થશે.
આમ, મોદી સરકાર દ્વારા એક પછી એક યોજનાઓ સફળતા પૂર્વક તેનાં લક્ષ્ય તરફ આગળ વધી રહી છે જેનાં લીધે લોકોને મોદી સરકારની લોક કલ્યાણ, જન સુખાકારી અને સુસાશન આપવા માટેની કટીબધ્ધતાનાં દર્શન થાય છે અને જનતાનો વિશ્વાસ મોદી સરકાર પ્રત્યે વધુને વધુ પ્રબળ બનતો જાય છે. બીજી બાજૂ કમજોર અને મુદદાહિન વિપક્ષો પાસે મોદીનાં વિજય રથને રોકવા માટેનો કોઇ ઉપાય નથી. રાજનૈતિક પંડીતો તથા વિશ્લેષકો ભલે આ વાતનો સ્વીકાર નાં કરે પરંતુ જમીની હકિકત એ છે કે સરકાર તેનાં પરફોરમન્સનાં આધારે ર૦૧૯ માં ર૦૧૪ કરતાં પણ મોટો જનાધાર મેળવશે.
2 ટિપ્પણીઓ:
ખુબ સરસ.
અદભુત બ્લોગ, વાળા સાહેબ આગળ વધો
ટિપ્પણી પોસ્ટ કરો