અભિવ્યક્તિની સ્વતંત્રતાને નામે દેશવિરોધી બકવાસ કેટલો
યોગ્ય ?
ભારત દેશ એ લોકશાહી
શાસન વ્યવસ્થા ધરાવતો વિશ્વનો સૌથી મોટો દેશ છે.લોકશાહીમાં લોકોને વિચાર અને
વાણીનું સ્વાતંત્ર્ય હોય છે. અભિવ્યક્તિની
આઝાદી હોય છે. બંધારણના આર્ટીકલ ૧૯(૧) મુજબ દરેક વ્યક્તિને પોતાનો વિચાર,પોતાનો મત
રજુ કરવાનો સંપૂર્ણ અધિકાર છે,તો બંધારણના આર્ટીકલ ૧૯(૨)માં દેશની અખંડીતતા અને
ભાઈચારાને નુકશાન ના પહોચાડવું તથા દેશની સુરક્ષા જોખમાય તેવું કોઈ કૃત્ય ના કરવું
તે પણ જણાવવામાં આવ્યું છે. બંધારણમાં દેશની કોઈપણ વ્યક્તિને એવો કોઈ
અબાધિત અધિકાર નથી મળ્યો કે તે એવું બોલી
શકે કે જેથી દેશની સુરક્ષા જોખમાય,કોઈનું દિલ દુભાય કે કારમો વર્ગવિગ્રહ ઉભો થાય
કે કોમી સંવાદિતા
જોખમાય.વાણી સ્વતંત્રતા અને વાણી સ્વચ્છંદતા વચ્ચેનો ભેદ પારખવો જરૂરી છે. વાણી
સ્વતંત્રતાને નામે કેટલાંક કહેવાતા
બુદ્ધિજીવી લેખકો,અભિનેતાઓ તથા નેતાઓ અવારનવાર દેશ વિરોધી બકવાસ ઠાલવતા રહે છે.વર્તમાન
સમયમાં અભિવ્યક્તિની આઝાદીના નામે કંઈપણ બોલવું એ ફેશન થઇ ગઈ છે.કહેવાતા
બુદ્ધિજીવીઓનો એક ખાસ વર્ગ આર્ટીકલ ૧૯(૧) ની આડ લઇ તેના સમર્થનમાં નીકળી પડે
છે.સોશિયલ મીડિયાના ફેલાવાને લીધે તેનો દુરપયોગ પણ વધતો જાય છે. અભિવ્યક્તિની
આઝાદીના નામે કોઈપણ ધર્મનું અપમાન કરવું,દેશના સર્વોચ્ચ પદ પર બિરાજમાન લોકોની
મજાક ઉડાડવી,દેશનું વાતાવરણ બગડે તેવાં નિવેદનો કરવા,દેશવિરોધી તત્વોને
પ્રોત્સાહિત કરવા વગેરે જેવી ઘટનાઓ છેલ્લાં ચાર વર્ષમાં ખુબ વધી છે.
અસહમતીનું સાહસ અને વિવેકપૂર્ણ સહમતી એ
લોકતંત્રનો પાયો છે.લોકશાહી શાસન
વ્યવસ્થામાં દરેકને પોતાનો મત વ્યક્ત કરવાનો અધિકાર છે.પરંતુ આજકાલ તો મોદી
વિરોધમાં કોંગ્રેસના નેતાઓ એટલી હલ્કી કક્ષાએ પહોંચી ગયા છે કે દેશ વિરોધી નિવેદનો
આપતા પણ ખચકાતા નથી.કોઈ એક વર્ગ કે ધર્મના લોકોને ખુશ કરવા કે પોતાની વોટબેંક
સાચવવા માટે કોંગ્રેસના નેતાઓ બંધારણની તમામ મર્યાદાઓ ઓળંગી રહ્યાં છે.રાહુલ ગાંધી
જે.એન.યુ.માં જઈ દેશ વિરોધી નારા લગાવનારા અને સંસદ પર હુમલો કરનારા અને જેને
ફાંસી આપવામાં આવેલી છે તેવા આતંકવાદી અફઝલ ગુરુની વરસી ઉજવનારા લોકોને ખુલ્લેઆમ
ટેકો આપી નિવેદન કરે કે અમે તમારી સાથે છીએ. આ જ અફઝલ ગુરુને કોંગ્રેસના પ્રવક્તા
પ્રેસ કોન્ફરન્સમાં ‘અફઝલ ગુરુજી’ કહીને સંબોધે,તો શશી થરૂર દેશ વિરોધી નારા
લગાવનારા કન્હૈયા કુમારને શહીદ ભગતસિંહ સાથે સરખાવે. તો દિગ્વિજયસિંહ ઓસામા બિન
લાદેનને ‘ઓસામાજી’ કહીને સંબોધન કરે, કોંગ્રેસના પૂર્વ કેન્દ્રિય મંત્રી સૈફુદ્દીન
સોઝ પાકિસ્તાનના પરવેઝ મુશરફના નિવેદનને સમર્થન આપી કહે કે કાશ્મીરને આઝાદી આપી
દેવી જોઈએ.ગુલામનબી આઝાદે પણ કહ્યું હતું કે કાશ્મીરીઓને આતંકી કરતા વધુ ખતરો
દેશના સૈનિકોથી છે.
આ તો થોડાં ઉદાહરણ માત્ર છે. દુખની વાત એ છે કે આજે કોંગ્રેસના નેતાઓના નિવેદનોને ‘લશ્કર એ તોયબા’ દ્વારા સમર્થન મળી રહ્યું છે.આ નવા પ્રકારની કોંગ્રેસ છે જે દેશને તોડવાવાળી તાકાતોને પોતાના વાણી વિલાસ દ્વારા મદદ કરી રહી છે. અભિવ્યક્તિની આઝાદીને નામે દેશ વિરોધી બકવાસ કેટલો યોગ્ય છે ? તંદુરસ્ત હરીફાઈ,વૈચારિક મતભેદ,સતાપક્ષની ખામીઓ શોધવી,પ્રજાના પ્રશ્નો માટે લડત આપવી,પ્રજાલક્ષી યોજનાઓને વધુ સુદ્રઢ બનાવવા યોગ્ય વિરોધ કરી સૂચનો આપવા,સંસદમાં રચનાત્મક ચર્ચાઓ કરવી આ બધું એક તંદુરસ્ત લોકશાહી માટે આવકાર્ય છે. પરંતુ વાણી સ્વતંત્રતાને નામે દેશની સુરક્ષા જોખમાય,દેશ વિરોધી તત્વોને બળ મળે તે પ્રકારના નિવેદનો કરવા એ દેશદ્રોહ જ ગણાય.કોંગ્રેસીઓ અને તેના મળતિયા અમુક લેખકો જે ખુલ્લેઆમ દેશ વિરોધી નિવેદનો કરી રહ્યાં છે છતાં તેનો કોઈ વાળ પણ વાંકો ના કરી શકે આવું તો ભારતમાંજ શક્ય બને, કારણકે આપણો દેશ ખરા અર્થમાં એક સહિષ્ણુ દેશ છે,તો પણ કેટલાંક અભિનેતાઓ અને નેતાઓને આ દેશમાં રહેવામાં ખતરો લાગે છે ! છે ને આશ્ચર્યની વાત ?
અભિવ્યક્તિની આઝાદી એ બંધારણે આપેલી
પ્રજાને સૌથી મોટી ભેંટ છે. સૌને પોતપોતાના વિચારો રજુ કરવાની સ્વતંત્રતા છે પરંતુ
સતા મેળવવાની લ્હાયમાં દેશ વિરોધી તત્વોને ભૂલથી પણ પ્રોત્સાહન ના મળે અને આ
દેશનું સાર્વભૌમત્વ ના જોખમાય તેનું ધ્યાન રાખવાની ફરજ બધાંજ રાજકીય પક્ષોની છે.તો
લઘુમતી અને બહુમતી,સવર્ણ અને પછાત,અમીર અને ગરીબ આ બધાં રાજકીય દાવપેચમાં આપણી
લોકશાહી ક્યાંક ટોળાશાહીમાં પરિવર્તિત ના થઇ જાય તેનુ ધ્યાન રાખવાની ફરજ આપણાં
જેવા સૌ જાગૃત નાગરિકોની પણ છે.
સ્વશાસન ના હોય ત્યાં સુશાસન ક્યારેય
શક્ય બને નહીં.બંધારણ અને તેણે આપેલા સ્વતંત્રતાના અધિકારોનું જતન કરી દેશ વિરોધી
કે બંધારણ વિરોધી વલણ ધરાવતા લોકોને સાચી દિશા બતાવવાનું કાર્ય પણ આપણે સૌએ
કરવાનું છે. તો આવો આપણે સૌ બંધારણ માં આપેલી ફરજો
નિભાવીએ.જ્ઞાતિ-જાતી,ધર્મ-સંપ્રદાય કે રાજકીય પક્ષા-પક્ષીના રાજકારણમાંથી બહાર આવી
‘દેશ પ્રથમ’ની ભાવના સાથે દેશહિત માટે કાર્યરત તમામ શક્તિઓને ટેકો આપી, ‘નવા
ભારત’ ના નિર્માણમાં આપણે સૌ સહભાગી બનીએ તે જ અપેક્ષા સાથે ‘વંદે માતરમ’ – ભારત
માતા કી જય.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો