બુધવાર, 24 ઑક્ટોબર, 2018

રાષ્ટ્ર દેવો ભવ : જનની જન્મ ભુમીશ્ચ સ્વર્ગાદપિ ગરીયસી


રામાયણમાં રાવણ સામેનું યુદ્ધ પૂર્ણ થયા પછી સોનાની નગરી લંકામાં રહેવાની વાતને નકારતા ભગવાનશ્રી રામ કહે છે કે જનની જન્મ ભુમીશ્ચ સ્વર્ગાદપિ ગરીયસી અર્થાત મારી જન્મભૂમી,મારી માતૃભુમી મારા માટે સ્વર્ગથી પણ વધુ મુલ્યવાન છે.

માતૃ દેવો ભવ,પિતૃ દેવો ભવ તથા આચાર્ય દેવો ભવ થી પણ ખુબ ઉંચો ભાવ છેરાષ્ટ્ર દેવો ભવ’.કારણ કે માતા-પિતા તથા આચાર્ય પણ જેને સૌથી વધુ પૂજનીય માને છે, તે છે માતૃભુમી,આપણો દેશ.માતા આપણને જન્મ આપે છે પરંતુ આપણને પાંગરવા માટે યોગ્ય વાતાવરણ,ખીલવાની મોકળાશ,વિચારોનો વૈભવ,વિકાસની તક,પ્રકૃતિ સાથેનો સહવાસ તથા પ્રગતિ માટેના સંશાધનો માતૃભુમી આપે છે.જે રીતે જીવન જીવવા માટે જરુરી હવા,પાણી અને ખોરાક માતૃભૂમિની દેન છે તે રીતે કર્તવ્ય,ત્યાગ,પરોપકારની ભાવના પણ માતૃભૂમિની દેન છે.માતૃભૂમિની માટીના કણ કણનું ઋણ આપણા પર છે.જે રીતે માં-બાપનું ઋણ ક્યારેય ચૂકવી શકાય નહીં તે રીતે માતૃભુમી પ્રત્યેનું ઋણ પણ ક્યારેય ચૂકવી શકાય નહીં.તેથી જયારે વીર સૈનિક સરહદ પર લડવા જાય છે ત્યારે માતા-બહેન અને પત્ની તેને કંકુ તિલક કરી આરતી ઉતારે છે,પિતા વિજયી ભવ ના આશીર્વાદ આપતાં કહે છે કે માતૃભૂમિની રક્ષા માટે કદાચ પોતાના પ્રાણનું બલિદાન આપવું પડે તો પણ અચકાવું નહીં.

રાજસ્થાનના સુપ્રસિદ્ધ કવિ શ્રી ગૌરીશંકરે તેમની એક સૈનીક કી ચાહ નામની કવિતામાં માતૃભુમી માટે બલિદાન આપનાર એક સૈનિકના ત્યાગ અને સમર્પણનું અદભુત વર્ણન કર્યું છે.

બોલા કી જય માતૃભુમી હે,મૈને અપના ફર્જ નિભાયા,
અબ મીટ જાયે ચાહે મેરી યહ માટી કી કાયા,

અગર મિલેગા જન્મ, લૌટકર ઇસી ધરા પર ફિર આઉંગા
મેરે પ્યારે દેશ તુમ્હેં મેં હરગીઝ ભૂલ નહીં પાઉંગા.

દેશની આઝાદી માટે હજારો-લાખો લોકોએ પોતાના પ્રાણોની આહુતિ આપી છે પરંતુ આઝાદી બાદ આજે પણ દેશના હજારો સૈનિકો ત્યાગ અને બલીદાનની ભાવના સાથે દેશની રક્ષા માટે પોતાનું જીવન ખપાવી રહ્યા છે. રાષ્ટ્રીયતાની ભાવના ક્યાંય વેંચાતી કે ભાડે નથી મળતી પરંતુ જન્મો જન્મના સંસ્કારરૂપી ભાવ દેશના બાળકો,યુવાનો અને નાગરિકોમાં સતત જાગૃત રહે તે માટે આપણે સૌએ નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કરતાં રહેવું પડે છે.આપણે સૌ ઈચ્છીએ છીએ કે આપણો દેશ પરમવૈભવના શિખર પર પહોંચે,પ્રગતિના નવા કીર્તીમાનો સ્થાપે,પરંતુ ફક્ત ઈચ્છા કરવાથી કંઈ થતું નથી તેનાં માટે પૂરી નિષ્ઠાથી પ્રયાસ પણ આપણે કરવો પડશે.અભૂતપૂર્વ પરિણામો માટેનાં પ્રયાસો પણ અભૂતપૂર્વ હોવા જોઈએ.

માં અને માતૃભુમીનાં ગૌરવ,રક્ષણ અને માન-સન્માનની જવાબદારી આપણા સૌ ની છે.આપણાં દેશને હવે જયચંદો કે મીર જાફરોથી ખતરો નથી પણ આપણું સામાજીક વિભાજન દેશ માટે સૌથી વધુ ખતરારૂપ છે.જે દિવસે દેશનું જ્ઞાતિ-જાતિના નામે,ધર્મના નામે કે પ્રાંતના નામે થતું વિભાજન અટકશે ત્યારે દેશને વિશ્વગુરુ બનતા કોઈ અટકાવી નહીં શકે.તેનાં માટેની શરૂઆત આપણે આપણાંથી કરવી પડશે.આપણે જ્યાં પણ હોઈએ,જે ક્ષેત્રમાં કામ કરતા હોઈએ ત્યાં રહીને પણ આપણે કોઈપણ ભેદભાવ વગર,કોઈ વાડામાં બંધાયા વગર બધા સાથે બંધુત્વનો ભાવ રાખી વ્યક્તિગત સ્વાર્થ છોડી વ્યાપક રીતે સમગ્ર દેશનાં હિત માટે વિચારતાં થઈએ,દેશને વફાદાર રહી દેશનાં કાયદા-કાનુન, નિયમોનું પાલન કરીએ અને દેશની આન,બાન અને શાન માટે સંકુચિતતા,સતાલાલસા,પદ અને પૈસાની અપેક્ષા છોડીરાષ્ટ્ર દેવો ભવના મંત્ર સાથે કાર્યરત રહી માતૃભુમી પ્રત્યેનું આપણું કર્તવ્ય નિભાવતા રહીએ તે સાચી દેશભક્તિ છે.ભારત માતા કી જય - વંદેમાતરમ

ટિપ્પણીઓ નથી: